2025નો ઉનાળો વધુ હોટ રહેશે હીટવેવના દિવસો વધુ રહેવાની ચેતવણી
હવામાન વિભાગની ઉની ઉની ચેતવણી
રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશથી લઇને તામિલનાડુ સુધી ગરમીનો પ્રકોપ રહેવાનો સંકેત
હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ડો.મૃત્યુંજય મોહપાત્રાએ આજે ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં એવો સંકેત આપ્યો છે કે ૨૦૨૫ના ઉનાળામાં ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ (મહત્તમ તાપમાન) સામાન્ય કરતાં વધુ રહેશે. જોકે પશ્ચિમ અને પૂર્વ ભારતના અમુક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય જેટલું રહેવાની શક્યતા છે. જ્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે.
જે રાજ્યોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની અને હીટવેવના દિવસોની સંખ્યા વધુ રહેવાની શક્યતા છે તેમા રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડીશા, છત્તીસગઢ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટકના અને તામિલનાડુના ઉત્તર વિસ્તારોનો સમાવેશ થાય છે.
સાથોસાથ હવામાનશાસ્ત્રીઓએ એવી ચેતવણી પણ આપી છે કે ૨૦૨૫ના ઉનાળામાં દેશમાં વીજળી વપરાશમાં ૯ થી ૧૦ ટકા જેટલો વધારો થવાની પણ સંભાવના છે.૨૦૨૪ની ૩૦,મેએ આખા ભારતમાં વીજળીનો વપરાશ ૨૫૦ ગીગાવોટ્સ(જીડબ્લયુ) રહ્યો હતો, જે ૬.૩ ટકા જેટલો વધુ હતો.
એપ્રિલથી જૂન દરમિયાન ઉત્તર અને પૂર્વ ભારતના, મધ્ય ભારતના અને વાયવ્ય ભારતના મેદાની પ્રદેશોમાં હીટવેવના બે થી ચાર દિવસ રહેવાની શક્યતા છે.આવી પરિસ્થિતિ સામાન્ય ગરમી કરતાં વધુ હોવાની સંભાવના છે. ભારતમાં ઉનાળા દરમિયાન સામાન્ય રીતે હીટવેવના દિવસો ચારથી સાત હોય છે.
અગાઉ હવામાન વિભાગના એક વિજ્ઞાાનીએ એવો સંકેત આપ્યો હતો કે ૨૦૨૫ના ઉનાળામાં વાયવ્ય ભારતમાં હીટવેવના દિવસો બમણા હોવાની શકયતા છે.વાયવ્ય ભારતમાં ઉનાળામાં સામાન્ય રીતે હીટવેવના પાંચ- છ દિવસ હોય છે.