અયોધ્યાના મહંતની સોનિયા ગાંધી વિરુદ્ધ રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત
પરમહંસ આચાર્ય જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં પૂજા-પાઠ કરવાની મંજૂરી મળ્યા બાદ વારાણસી જવા નિકળ્યા
તેમણે કોંગ્રેસ ઉપરાંત સમાજવાદી પાર્ટી પર પણ સાધ્યું નિશાન, સ્વામી પ્રસાદ મોર્યના ટિપ્પણીની નિંદા કરી
અયોધ્યા (Ayodhya)થી સુલતાનપુર થઈ વારાણસી (Varanasi) જતી વખતે તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગતગુરુ પરમહંસ આચાર્ય (Paramhans Acharya)એ કોંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી (Sonia Gandhi) સામે રાયબરેલીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘હું કોંગ્રેસ મુક્ત ભારત કરવા માટે તેમની સામે ચૂંટણી લડીશ. સમાજવાદી પાર્ટી (Samajwadi Party) પાગલ થઈ ગઈ છે. સપા નેતા સ્વામી પ્રસાદ મોર્ય દ્વારા સ્વામી રામભદ્રાચાર્ય વિરુદ્ધ કરેલી ટિપ્પણી અશોભનીય અને નિંદનીય છે. ’
હું કાશી વિવાદ સમાપ્ત કરવા વારણસી જઈ રહ્યો છું : પરમહંસ આચાર્ય
મહંતે કહ્યું કે, ‘અયોધ્યા વિવાદ ખતમ થઈ ગયો છે. હવે કાશી વિવાદ સમાપ્ત કરવા વારાણસી જઈ રહ્યો છું. જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરીના બે અરજીકર્તા સીતા સાહુ અને મંજુ વ્યાસજી અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરવા આવ્યા છે અને હું તેમની સાથે બાબા વિશ્વનાથને જળ ચઢાવવા વારાણસી જઈ રહ્યો છું. હું રાત્રે વિશ્રામ કર્યા બાદ આવતીકાલે પ્રયાગરાજ જવા રવાના થઈશ.’
જ્ઞાનવાપી કેસના બે અરજીકર્તા પણ આચાર્ય સાથે વારાણસી જવા નિકળ્યા
મીડિયા સમક્ષ વાતચીત દરમિયાન જ્ઞાનવાપી (Gyanvapi) શ્રૃંગાર ગૌરીના અરજીકર્તા સીતા સાહુ અને મંજુ વ્યાસે હર્ષ વ્યક્ત કરતા કહ્યું કે, ‘અમે બધા અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરમાં રામલલાના દર્શન કરી વારાણસી પરત ફરી રહ્યા છીએ, કારણ કે કાશીમાં 31 વર્ષથી બંધ જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં ફરી પૂજા-પાઠ શરૂ થયા છે. અમે લોકોએ માન્યું હતું કે, અમે હવન-યજ્ઞ કરાવીશું અને અમે ગુરુજી આચાર્ય પરમહંસજી દ્વારા હવન યજ્ઞ કરાવ્યું, કારણ કે આપણને મોટી જીત મળી છે.’
પરમહંસ આચાર્યનો અવાર-નવાર કોંગ્રેસ પર હુમલો
ઉલ્લેખનીય છે કે, પરમહંસ આચાર્ય અવારનવાર કોંગ્રેસ પર નિશાન સાધતા રહે છે. અગાઉ ગત વર્ષે એપ્રિલમાં તેમણે સોનિયા ગાંધી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી તેમને બાર ડાન્સર કહ્યા હતા, જેના કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓ ગુસ્સે ભરાસા હતા. તેમણે અયોધ્યામાં રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાના આમંત્રણનો અસ્વીકાર કરવા અંગે સોનિયા ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ‘સોનિયા ગાંધી અને કોંગ્રેસ ભાજપનો વિરોધ કરતા કરતા દેશ વિરોધી થઈ ગયા છે. આમંત્રણનો અસ્વિકા કરવો દર્શાવે છે કે, તમે રામ વિરોધી છો.’