કોંગ્રેસ શાસિત વધુ એક રાજ્યમાં સરકાર સંકટમાં! ભાજપનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ પાસે પહોંચ્યું
હિમાચલ પ્રદેશની એક સીટ પર આયોજિત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજન જીતી ગયા
Himachal Pradesh Live Updates: રાજ્યસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. હિમાચલ પ્રદેશની એક સીટ પર આયોજિત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજન જીતી ગયા હતા. જોકે સત્તાધારી પાર્ટી કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીએ હારનો સામનો કરવો પડ્યો જે એક આંચકાજનક અહેવાલ સાબિત થયા. જોકે તેમની હારનું કારણ ક્રોસ વોટિંગ હતું.
પહેલીવાર આ રીતે લેવાયો નિર્ણય
આ ઉપરાંત અપક્ષ ઉમેદવારોએ પણ કોંગ્રેસને ટેકો ન આપ્યો જેના લીધે કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદવારોના સરખા વોટ મળ્યાં હતાં. આ પહેલીવાર છે જ્યારે રાજ્યસભા ચૂંટણીમાં બે ઉમેદવારોને સમાન વોટ મળ્યા બાદ ચિઠ્ઠી દ્વારા હાર-જીતનો નિર્ણય લેવાયો હોય.
ભાજપે કર્યો મોટો દાવો
હિમાચલ પ્રદેશની વિધાનસભામાં આજે બજેટ રજૂ થશે. આ દરમિયાન ભાજપે મોટો દાવો કર્યો હતો કે કોંગ્રેસ તેનું બહુમત ગુમાવી ચૂકી છે એટલા માટે ભાજપનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળવા પહોંચ્યું હતું. આ બજેટ વોટિંગના માધ્યમથી પાસ કરાવવાની માગ કરવામાં આવી રહી છે.
પૂર્વ સીએમે કહ્યું - કોંગ્રેસ સરકારે બહુમતી ગુમાવી
રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લા સાથે બેઠક પહેલાં હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે તાજેતરનું ઘટનાક્રમ દર્શાવે છે કે કોંગ્રેસની સરકાર તેની બહુમતી ગુમાવી ચૂકી છે.
હિમાચલ પ્રદેશ વિધાનસભાની નંબર ગેમ સમજો
હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા સીટો છે. આવી સ્થિતિમાં કોઈપણ પક્ષને બહુમત માટે 35 સીટોની જરૂર છે. ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 40 ધારાસભ્યો જીત્યા હતા. જ્યારે ભાજપના 25 અને અપક્ષના ત્રણ ધારાસભ્યો જીત્યા હતા. કોંગ્રેસને બહુમતી મળી ગયા બાદ બે જૂથ વચ્ચે ખેંચતાણમાં સુખવિંદર સિંહ સુખ્ખુને મુખ્યમંત્રી બનાવાયા હતા.