સુખદેવસિંહ હત્યા કેસ- હત્યારાઓનું એન્કાઉન્ટર અને ૧૧ કરોડના વળતરની માંગણી
જયપુર ખાતે રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો
સુખદેવસિંહને સુરક્ષા કેમ ના અપાઇ તેની તપાસ કરવાની માંગ
જયપુર,૬ ડિસેમ્બર,૨૦૨૩,બુધવાર
રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાજપુત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાએ સમગ્ર દેશમાં ચકચાર જગાવી છે. ધોળા દિવસે ત્રણ શખ્સો ઘરમાં ઘૂસીને શાંતિથી બેસીને હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આ ઘટનાથી જયપુર ખાતે રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
રાજપુત સમાજે દેખાવો કરીને સરકાર સમક્ષ હત્યારાઓનું એન્કાઉન્ટર અને ૧૧ કરોડનું આર્થિક વળતર આપવાની માંગણી કરી છે. આ ઉપરાંત બીજી પણ કેટલીક માંગ કરી છે જેમાં મૃતકના પરિવારને આજીવન સુરક્ષા અને સરકારી નોકરીનો સમાવેશ થાય છે. જયપુર રેલવે સ્ટેશન વિસ્તાર આસપાસ સવારથી જ કરણીસેનાના અધ્યક્ષના સમર્થનમાં ભીડ ઉતરી પડી હતી.
સુખદેવસિંહને સુરક્ષા કેમ સુરક્ષા આપવામાં આવી ન હતી તેની પણ તપાસ કરવાની માંગ ઉઠી છે.ઘટના જે હદમાં બની તે શ્યામનગર એસએચઓને હટાવવાની તથા તથા ૧૫ દિવસમાં જ હાઇકોર્ટમાં જજ પાસે કેસની કાર્યવાહી કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડની તપાસ માટે રાજસ્થાનના સુપર કોપ્સને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગેંગસ્ટેર આનંદપાલસિંહનું એનકાઉન્ટર કરનારી ટીમને જ જવાબદારી સોંપવામાં આવી છે.
ટીમમાં એડીજી, ક્રાઇમ દિનેશ એમએન, આઇપીએસ કરણ શર્મા, એએસપી વિધા પ્રકાશ, પૂર્વ આરપીએસ સંજીવ ભટનાગર અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહનો સમાવેશ થાય છે. એડીજી ક્રાઇમ દિનેશ એમએનના જણાવ્યા અનુસાર આ કેસની તપાસ માટે સીટીની રચના કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને ઝડપથી પોલીસના સકંજોમાં લઇ લેવામાં આવશે.