કરણી સેના પ્રમુખની હત્યાના કેસમાં મોટો ખુલાસો, 7 મહિના પહેલા જ પંજાબ પોલીસે રાજસ્થાનને કર્યું હતું એલર્ટ
કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગમેડીની ગઈકાલે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી
સુખદેવ સિંહ ગોગમેડીની હત્યા બાદ રોહિત ગોદારાએ ફેસબુક પર હત્યાની જવાબદારી લીધી હતી
Image:Twitter |
Sukhdev Singh Gogamedi Murder : કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગમેડીની ગઈકાલે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાના વિરોધમાં આજે રાજસ્થાન બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે કે રાજસ્થાન પોલીસને પહેલાથી જ આવી ઘટનાને અંજામ આપવા અંગે ઈનપુટ આપવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબ પોલીસે હત્યાના 7 મહિના પહેલા રાજસ્થાન પોલીસને હત્યાના કાવતરા અંગે લેખિત ઇનપુટ મોકલ્યા હતા.
પંજાબ પોલીસે 7 મહિના પહેલા જ કર્યું હતું એલર્ટ
પંજાબ પોલીસે રાજસ્થાન પોલીસને 7 મહિના પહેલા જ એલર્ટ કરી દીધું હતું કે બથીંડા જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર સંપત નેહરા કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગમેડીની હત્યાનું કાવતરું રચી રહ્યો છે. પોલીસે એવું પણ ઈનપુટ આપ્યું હતું કે કાવતરા માટે તેણે AK-47ની વ્યવસ્થા કરી હતી.
રોહિત ગોદારાએ ફેસબુક પર હત્યાની જવાબદારી લીધી
સુખદેવ સિંહ ગોગમેડીની હત્યા બાદ રોહિત ગોદારાએ ફેસબુક પર હત્યાની જવાબદારી લીધી હતી. તેણે લખ્યું, 'ભાઈઓ આજે સુખદેવ ગોગામેડીની હત્યા થઇ ગઈ છે. હું આ હત્યાની સંપૂર્ણ જવાબદારી લઉં છું. મેં જ આ હત્યા કરી છે. હું તમને કહેવા માંગુ છું કે ગોગામેડી અમારા દુશ્મનોને મદદ કરીને તેમને મજબૂત બનાવતા હતા. આ સાથે રોહિત ગોદારાએ ફેસબુક પર ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, 'ગોગામેડીની હત્યા આપણા બાકીના દુશ્મનો માટે એક બોધપાઠ છે કે જો તમે અમારા રસ્તામાં આવશો તો તમારું પણ આવું જ અંજામ થશે.'
પોલીસ કડક નાકાબંધી કરીને સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે
ડીજીપીના જણાવ્યા અનુસાર આરોપીઓને શોધવા માટે પોલીસ કડક નાકાબંધી કરીને સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. લોકોને ધીરજ અને શાંતિ જાળવવા અપીલ કરતાં તેમણે પોલીસને ખાસ તકેદારી રાખવા અને સુરક્ષા વધારવા સૂચના આપી છે. તેમણે કહ્યું, 'રોહિત ગોદારા ગેંગે આ ઘટનાની જવાબદારી લીધી છે. આને ધ્યાનમાં રાખીને બદમાશોના સંપર્કમાં રહેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને પડોશી જિલ્લાઓ અને બિકાનેર વિભાગમાં પણ સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.'