ગોગામેડી હત્યાકાંડમાં UAPA હેઠળ કેસ નોંધાયો, FIRમાં પૂર્વ CM ગેહલોત અને DGP સામે પણ ગંભીર આરોપ
ઈનપુટ મળ્યા હોવા છતાં CM ગેહલોત અને DGPએ મારા પતિને સુરક્ષા પુરી ન પાડી : ગોગામેડીની પત્નીનો આરોપ
પંજાબ પોલીસે રાજસ્થાનના DGPને અને જયપુર ATSએ ઈન્ટેલિજન્સને ગોગામેડીની હત્યાના ષડયંત્રની જાણ કરી હતી
જયપુર, તા.06 નવેમ્બર-2023, બુધવાર
Sukhdev Singh Gogamedi Murder Case : શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે આરોપી હજુ પણ ફરાર છે, જોકે પોલીસે UAPA હેઠળ કેસ દાખલ કર્યો છે. આ કેસમાં દાખલ કરાયેલી FIRમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત (CM Ashok Gehlot) અને ડીજીપીનો પણ ઉલ્લેખ કરાયો છે. બંને પર સુરક્ષા પુરી પાડવામાં બેદરકારી દાખવી હોવાનો આરોપ છે.
‘મારા પતિને જાણીજોઈને સુરક્ષા પુરી ન પાડી’
FIRમાં દાવો કરાયો છે કે, ગોગામેડીને સુરક્ષા પુરી પાડવા 3 વખત 24 ફેબ્રુઆરી, 1 માર્ચ અને 25 માર્ચે રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પોલીસ મહાનિદેશક (DGP)ને પત્ર લખાયો હતો. જોકે તેમણે જાણીજોઈને સુરક્ષા પુરી ન પાડી. આ FIR ગોગામેડીની પત્ની શીલા શેખાવત (Sheila Shekhawat) દ્વારા દાખલ કરાઈ છે.
‘ગોગામેડીની હત્યા કરવાના ષડયંત્રના ઘણા ઈનપુર મળ્યા તેમ છતાં...’
FIRમાં ગોગામેડીની પત્ની શીલા શેખાવતે દાવો કર્યો છે કે, 14 ફેબ્રુઆરી-2023ના રોજ પંજાબ પોલીસે (Punjab Police) રાજસ્થાનના ડીજીપીને પત્ર લખી જણાવ્યું હતું કે, સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. ત્યારબાદ 14 માર્ચ 2023ના રોજ જયપુરની ATSએ ADGP (ઈન્ટેલિજન્સ)ને પણ આ બાબતની જાણકારી આપી હતી. પત્નીએ આરોપ લગાવ્યો કે, આટલા બધા ઈનપુટ મળવા છતાં જાણીજોઈને મુખ્યમંત્રી ગેહલોતે અને ડીજીપી સહિત જવાબદાર અધિકારીઓએ ગોગામેડીને સુરક્ષા આપી નહીં.
હથિયારધારીઓએ સુખદેવ-નવીનની ગોળીમારી હત્યા કરી
FIRમાં પત્નીએ આરોપ લગાવ્યો કે, 5 ડિસેમ્બરે બપોરે હથિયારધારી લોકો પ્લાનિંગ હેઠળ તેમના પતિ સુખદેવ સિંહ ગોગામેડીને મળવાના બહાને આવ્યા હતા. બંને હુમલાખોરો એકબીજાને રોહિત રાઠોડ અને નિતિન ફૌજીના નામથી બોલાવી રહ્યા હતા. થોડા સમય બાદ હુમલાખોરોએ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું, જેમાં ગોગામેડી અને નવીન શેખાવતનું મોત નિપજ્યું.