કરણી સેના પ્રમુખની હત્યાના 2 આરોપી સહિત 3 ઝડપાયા, 17 રાઉન્ડ ફાયર કરી ગોગામેડીનો લીધો હતો જીવ
ચંદીગઢ સેક્ટર 22 એની એક હોટલમાંથી ધરપકડ કરી હોવાની માહિતી
બે આરોપીઓના નામ રોહિત રાઠોડ અને નીતિન ફૌજી છે
Karni sena Chief gogamedi murder case | રાજસ્થાન પોલીસ અને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં સામેલ બે શૂટર્સ સહિત ત્રણ લોકોની ચંદીગઢ સેક્ટર 22 એની એક હોટલમાંથી ધરપકડ કરી હોવાની માહિતી મળી છે. આરોપીઓના નામ રોહિત રાઠોડ અને નીતિન ફૌજી છે. જ્યારે ત્રીજાનું નામ ઉધમ છે. ઉધમ એ વ્યક્તિ છે જે ફરાર થવા દરમિયાન તેમની સાથે હતો.
હવે આરોપીઓને જયપુર લઈ જવાશે
આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્રણેયને લઈને દિલ્હી પહોંચી ગઈ છે. પોલીસની ટીમ દરેકને જયપુર લઈ જશે. સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં તેમના નિવાસસ્થાને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં કુલ 17 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
હત્યા બાદ હથિયારો છુપાવ્યા
શૂટરોએ હત્યા કર્યા બાદ હથિયારો છુપાવી દીધા હતા. જેથી ભાગતી વખતે ટ્રેન કે બસમાં ચેકિંગ સમયે પકડાઈ ન શકે. આરોપી પોલીસને તે જગ્યાએ લઈ જઈ શકે છે જ્યાં તેમણે એ હથિયારો છુપાવ્યા હતા. આરોપી શૂટરો ભાગી જતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા. પોલીસ ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા આરોપી સુધી પહોંચી હતી. જ્યારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી ત્યારે ત્રણેય એક સાથે હતા, જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
કોના કહેવા પર થઇ હતી હત્યા?
શૂટર્સ ગેંગસ્ટર રોહિત ગોદારાના રાઈટ હેન્ડ વીરેન્દ્ર ચહાન અને દાનારામના સંપર્કમાં હતા. આ હત્યા વીરેન્દ્ર ચહાન અને દાનારામની સૂચનાથી કરવામાં આવી હતી. પોલીસે બંનેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. હત્યા કર્યા બાદ બંને શૂટરો વીરેન્દ્ર ચહાન અને દાનારામ સાથે સતત વાત કરતા હતા. હત્યા કર્યા બાદ આરોપીઓ રાજસ્થાનથી હરિયાણાના હિસાર પહોંચ્યા, હિસારથી મનાલી ગયા અને મનાલીથી ચંડીગઢ પહોંચ્યા જ્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી.