રૂ. 7640 કરોડનો ટેક્સ ભરવા તૈયાર મહાઠગ સુકેશનો જેલમાંથી નાણામંત્રીને પત્ર
- અમેરિકા, બ્રિટન સહિત અનેક દેશોમાં મારો વેપાર : સુકેશનો દાવો
- મારી કરોડોની કમાણી ભારતમાં રોકીશ, પીએમના મહાન નેતૃત્વમાં દેશના વિકાસમાં યોગદાન આપવા માગું છું : સુકેશ
- એક પણ કેસમાં દોષિત નથી ઠેરવાયો, નિયમોનું પાલન કરીને વેપાર કર્યો ઃ ૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં કેદ ઠગનો દાવો
સુકેશે વધુમાં ખુલાસો કર્યો છે કે તેનો વ્યવસાય અમેરિકા, સ્પેન, બ્રિટન, હોંગકોંગ અને દુબઇમાં છે. જેમાં એલએસ હોલ્ડિંગ્સ ઇન્ટરનેશનલ અને સ્પીડ ગેમિંગ કોર્પોરેશન કંપનીઓ પણ સામેલ છે. આ કંપનીઓ મુખ્યત્વે નવાદા અમેરિકા અને બ્રિટિશ વર્જિન દ્વીપ સમૂહમાં રજિસ્ટર્ડ છે. આ કંપનીઓ ઓનલાઇન-ઓફલાઇન ગેમિંગ, સટ્ટાબાજી જેવા વ્યવસાય સાથે જોડાયેલી છે. જેનુ રજિસ્ટ્રેશન ૨૦૧૬માં કરાવ્યું હતું. આ કંપનીઓને વર્ષ ૨૦૨૪માં ૨.૭૦ બિલિયન ડોલરનો નફો થયો છે જે આશરે ૨૦ હજાર કરોડ રૂપિયાથી પણ વધુનો છે. આ રકમ પર તેણે સાત હજાર કરોડથી વધુનો ટેક્સ ચુકવવાની ઓફર કરી છે.
કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારો સુકેશ હવે ભારતમાં કાયદેસર વેપાર કરવા માગે છે, તેણે કહ્યું હતું કે હું મારો કરોડો રૂપિયાનો નફો ટેક્નોલોજી અને એડવાન્સ ઓનલાઇન સ્કિલ ગેમિંગ બિઝનેસમાં લગાવવા માગે છે. મારી તમામ સંપત્તિ મે કાયદેસર કમાઇ છે અને તે માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન પણ કર્યું છે. કેન્દ્રીય એજન્સી ઇડી સુકેશ ચંદ્રશેખરની સામે આશરે ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. તેની સામે દિલ્હીની આર્થિક શાખા દ્વારા પણ કાર્યવાહી ચાલી રહી છે. સુકેશે પોતાના પત્રમાં કહ્યું છે કે તાજેતરમાં હું અનેક નાણાકીય મામલાઓનો સામનો કરી રહ્યો છું અને ન્યાયિક કસ્ટડીમાં છું. હું એક વિચારાધીન કેદી છું, અત્યાર સુધી એક પણ મામલામાં દોષિત ઠેરવવામાં નથી આવ્યો. તેથી મારી આવક ગેરકાયદે છે તેવુ કહેવુ યોગ્ય નથી.
સુકેશે નાણા મંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે તમારા વિભાગે મારી ભારતીય આવક પર ટેક્સ વસૂલાતની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી પણ સાબિત કરે છે કે મારી આવક કાયદેસર છે. મારે મારી વિદેશની આવક પર પણ ટેક્સ ચુકવવો છે, આજથી એક ગૌરવાન્વિત ભારતીય હોવાને નાતે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહાન નેતૃત્વમાં હું આ મહાન દેશના વિશ્વ સ્તરીય વિકાસમાં પોતાનું યોગદાન આપવા માગુ છું. મારી વિદેશી આવકનું ભારતમાં રોકાણ કરીશ. એટલુ જ નહીં ટેક્સના કાયદા મુજબ મારો ટેક્સ ભરવા માટે પણ તૈયાર છું.