ઠગ સુકેશ ચંદ્રશેખરે ફરી ફોડ્યો 'લેટર બોમ્બ': દિલ્હીના CM કેજરીવાલ પર લગાવ્યા ગંભીર આરોપ
- સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર સત્યેન્દ્ર જૈનને પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા આપ્યા હોવાનો ઉલ્લેખ કર્યો
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 16 માર્ચ 2024, શનિવાર
ઠગ સુકેશ ચંદ્રશેખરે ફરી એક વખત જેલની અંદરથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુકેશે જેલની અંદરથી એક પત્ર લખ્યો છે. પત્ર દ્વારા તેણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર જેલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ધમકીઓ મોકલવાનો અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જેલની અંદર બેઠેલા સુકેશ ચંદ્રશેખરે પોતાના પત્ર દ્વારા નવનિયુક્ત જેલ સુપ્રિટેન્ડેન્ટ ધનંજય રાવત અને મીના પર કેજરીવાલના કહેવા પર તેમને ધમકાવવાનો અને તેમની ફરિયાદ પાછી ખેંચવાનો આરોપ લગાવ્યો છે.
કેસ પાછો ખેંચવા માટે બનાવી રહ્યા હતા દબાણ
સુકેશ ચંદ્રશેખરે પત્ર દ્વારા આરોપ લગાવ્યો છે કે 2020માં જેલ મંત્રી રહી ચૂકેલા સત્યેન્દ્ર જૈનના કહેવા પર સુપરિન્ટેન્ડેન્ટ ધનંજય રાવતને દોઢ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ સાથે જ 2021માં લગભગ 2 કરોડ રૂપિયાની લક્ઝરી ઘડિયાળ પણ આપવામાં આવી હતી. સુકેશ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો છે કે સુપરિન્ટેન્ડેન્ટ રાવતની ઈરાદાપૂર્વક આ જેલમાં નિમણૂક કરવામાં આવી હતી જ્યાં હાલમાં સુકેશ ચંદ્રશેખર બંધ છે. જેથી કેસ પાછો ખેંચવા માટે સુકેશ પર દબાણ બનાવી શકાય.
વિદેશી અખબારોમાં લેખ પ્રકાશિત કરવા માટે આપ્યા હતા પૈસા: સુકેશ ચંદ્રશેખર
સુકેશ ચંદ્રશેખરે તો અહીં સુધી કહેવું છે કે, દિલ્હીની સરકારી શાળાઓના પ્રશંસા કરનારા આંતરરાષ્ટ્રીય અખબારોમાં લેખ પ્રકાશિત કરવા માટે સુકેશ ચંદ્રશેખરે 1.5 કરોડ રૂપિયા આપ્યા હતા. આ પૈસા સોમનાથ ભારતી દ્વારા જ વિદેશી અખબારોને મોકલવામાં આવ્યા હતા. આ સાથે જ આ પૈસા સોમનાથ ભારતીના જ એક સંબંધીની કંપની મારફતે મોકલવામાં આવ્યા હતા. જેલની અંદરથી લખેલા પોતાના આરોપ પત્રમાં સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર સત્યેન્દ્ર જૈનને પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા આપ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે.