સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં 0.20 ટકાનો વધારો
- અન્ય નાની બચત યોજનાઓના વ્યાજ દર યથાવત
- જાન્યુઆરી-માર્ચ કવાર્ટર માટે વ્યાજ દર જાહેર : ત્રણ વર્ષની ટર્મ ડિપોઝીટના વ્યાજમાં 0.10 ટકાનો વધારો કરાયો
નવી દિલ્હી : સરકારે આજે જાન્યુઆરીથી માર્ચ સુધીના કવાર્ટર માટે અ સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં ૦.૨૦ ટકા અને ત્રણ વર્ષની ટર્મ ડિપોઝીટ સ્કીમના વ્યાજ દરમાં ૦.૧૦ ટકાનો વધારો કર્યો છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
જો કે સરકારે અન્ય સેવિંગ સ્કીમના વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો નથી. નાણા મંત્રાલયના સર્ક્યુલર અનુસાર સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર ૮ ટકાથી વધારી ૮.૨ ટકા કરવામાં આવ્યો છે. જ્યારે ૩ વર્ષની ટર્મ ડિપોઝીટનો વ્યાજ દર સાત ટકાથી વધારી ૭.૧ ટકા કર્યો છે.
જો કે સરકારે લોકપ્રિય પીપીએફ પર ૭.૧ ટકા અને સેવિંગ ખાતામાં ડિપોઝીટ પર ચાર ટકા વ્યાજ દર યથાવત રાખ્યો છે. કિસાન વિકાસ પત્ર પર વ્યાજ ૭.૫ ટકા યથાવત રાખવામાં આવ્યોે છે. કિસાન વિકાસ પત્રના નાણા ૧૧૫ મહિનામાં પરિપકવ થશે.
સરકારે આજે એક જાન્યુઆરીથી ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીના સમયગાળા માટે નાની બચત યોજનાના વ્યાજ દર જાહેર કર્યા હતાં. સરકારે નેશનલ સેવિંગ્સ સર્ટિફિીકેટ (એનએસસી)નો વ્યાજ દર ૭.૭ ટકાએ યથાવત રાખ્યો છે.મન્થલી ઇન્કમ સ્કીમ (એમઆઇએસ)નો વ્યાજ દર પણ ૭.૪ ટકાએ યથાવત રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકાર દર ત્રણ મહિને નાની બચત યોજનાના વ્યાજ દર નક્કી કરે છે.