સુધા મૂર્તિએ રક્ષાબંધન પર રાણી કર્ણાવતી અને હુમાયુની એવી વાર્તા સંભળાવી કે લોકોએ કર્યા ટ્રોલ
Image: IANS |
Sudha Murty trolled for her video on the history of Raksha Bandhan: રાજ્યસભાના સાંસદ અને ઈન્ફોસિસના ભૂતપૂર્વ ચેરમેન નારાયણમૂર્તિનાં પત્ની સુધા મૂર્તિએ રક્ષાબંધનના દિવસે એક વીડિયોમાં મુઘલ રાજા હુમાયુ અને ચિત્તોડનાં રાણી કર્ણાવતીના પ્રસંગનો ઉલ્લેખ કરતાં આ તહેવાર હુમાયુના સમયથી શરૂ થયો હોવાનું જણાવ્યું હતું. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા. અનેક લોકોએ તેમને ઇતિહાસ વાંચી જવાની સલાહ આપી હતી.
સુધા મૂર્તિએ સોશિયલ મીડિયા સાઇટ પર શેર કરેલા વીડિયોમાં રક્ષાબંધનના ગૌરવવંતા ઈતિહાસની વાત કરી છે. તેમાં તે કહેતા જોવા મળ્યા છે કે રક્ષાબંધનના તહેવારના મૂળ, સંભવતઃ રાણી કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલી હતી તે ઘટનાથી રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ.
શું કહ્યું વીડિયોમાં?
તેમણે જણાવ્યું હતું કે ૧૬મી સદીની ઘટનામાં રાણી કર્ણાવતી જોખમમાં હતી તે સમયે તેણે કિંગ હુમાયુને રાખડી મોકલી હતી. હુમાયુ રાખડીની આમન્યાને માન આપીને તેને બચાવવા આવ્યો હતો, પરંતુ મોડો પડયો હતો. રક્ષાબંધન તહેવારના મૂળ અહીંથી શરૂ થાય છે અને આજે પણ આ તહેવાર ધામધૂમથી ઊજવાઈ રહ્યો છે. તેમનો આ વીડિયો વાયરલ થયા પછી લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા. તેમને ઘણા લોકોએ સલાહ આપી છે કે તેઓ ઈતિહાસ યોગ્ય રીતે વાંચી જાય.
ઘણાએ જણાવ્યું છે કે રક્ષાબંધનના મૂળ તો દ્રોપદીએ ભગવાન શ્રીકૃષ્ણને રાખડી બાંધી તેની સાથે જોડાયેલા છે. શ્રીકૃષ્ણએ સુદર્શન ચક્ર છોડયુ ત્યારે તેમની આંગળીને ઈજા પહોંચી તે સમયે દ્રોપદીએ તેની સાડીને ફાડીને શ્રીકૃષ્ણની આંગળીને પાટો બાંધી લોહી વહેતું અટકાવ્યું હતું. તેના પગલે શ્રીકૃષ્ણએ દ્રોપદીને તેમની રક્ષા કરવાનું વચન આપ્યું હતું.
સુધા મૂર્તિએ સ્પષ્ટતા કરી
સુધા મૂર્તિના રક્ષાબંધન અંગેનું નિવેદન વિવાદિત બનતાં તેમણે તરત જ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે રાણી કર્ણાવતી અને હુમાયુ અંગે રક્ષાબંધનની વાત એક જ વાત નથી. આ વાત રક્ષાબંધનને લગતી અનેક વાતોમાંની એક વાત છે. જો કે, રક્ષાબંધનના મૂળ દ્રૌપદી-કૃષ્ણના સમયમાં રહેલા હોવાનો દાવો કરતા લોકોની સુધા મુર્તિને ઈતિહાસ વાંચવા સલાહ આપી રહ્યા છે.