સુધા મૂર્તિ રાજ્યસભાના સાંસદ બનશે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેઓનું નામ નિશ્ચિત કર્યું હતું
- આંતરરાષ્ટ્રીય મહિલા દિને એક મહાન મહિલા બહુમાનિત
- સુધા મૂર્તિની આ નિયુક્તિ માટે વડાપ્રધાને ખુશી વ્યક્ત કરતા કહ્યું : સુધા મૂર્તિ સમાજસેવા માટે દેશભરમાં વિખ્યાત છે
નવી દિલ્હી : ઇન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની રાજ્યસભામાં સાંસદ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જ તેઓનું નામ નિશ્ચિત કર્યું હતું.
આ માહિતી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ધઠધ હેન્ડલ પર લખ્યું હતું કે, 'ભારતના રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિને રાજ્યસભાના સભ્યપદે નિયુક્ત કર્યા છે. સુધાજીના સામાજિક કાર્યો, વંચિતોને કરેલી આર્થિક સહાય તેમજ શિક્ષા ક્ષેત્રે પણ તેઓએ ઘણું મોટું પ્રદાન કર્યું છે, જે આપણા માટે પ્રેરણાદાયક છે.'
તેઓએ વધુમાં લખ્યું , 'રાજ્યસભામાં તેઓની ઉપસ્થિતિ નારી શક્તિના સન્માનરૂપ બનશે.'
૭૩ વર્ષના સુધા મૂર્તિ એન્જિનિયર છે, લેખક પણ છે. તેઓને 'પદ્મશ્રી'નું બહુમાન પણ અપાયું છે. ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં અધ્યક્ષ છે. આ ફાઉન્ડેશને ઘણી સમાજસેવા કરી છે ઘણાં મોટા પ્રમાણમાં તે ફાઉન્ડેશન (નિધિ) ગરીબોને મોટા પાયે સહાય કરે છે.
રાજ્યસભામાં પોતાની થયેલી નિયુક્તિ અંગે આનંદ વ્યક્ત કરતા તેઓએ લખ્યું : 'અત્યારે હું દેશમાં નથી પણ 'મહિલા દિને' મને મળેલા આ બહુમાન માટે હું આભારી છું.'
સુધા મૂર્તિ દેશની તે મહિલાઓમાંના એક છે કે જેમનું વ્યવસાયમાં ઘણું મોટું યોગદાન છે. કેટલાયે ટી.વી. કાર્યક્રમોમાં તેઓ 'ઇન્ફોસિસ'ની સ્થાપનાની હકીકત કહી ચૂક્યા છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઇન્ફોસિસની સ્થાપના માટે તેઓએ જ નારાયણ મૂર્તિને રૃા. ૧૦,૦૦૦ 'ઉછીના' આપ્યા હતા.
નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિને બે સંતાનો છે તેઓના પુત્રી અક્ષતા મૂર્તિ બ્રિટનના વડાપ્રધાન ઋષિ શુનકના પત્ની છે. થોડા મહિના પૂર્વે તે બંને જી-૨૦ સમિટ સમયે ભારત આવ્યા હતા અને અક્ષરધામ મંદિરે પણ ગયા હતા.