Get The App

બે બોટલ સિરપ, ઘોર નિદ્રા અને તકિયો..., નિષ્ઠુર માતાએ કેવી રીતે કરી હતી ચાર વર્ષના પુત્રની હત્યા

પુત્ર પિતાને ના મળી શકે માટે સૂચના સેઠે હત્યાનું આગોતરું આયોજન કર્યું હતું

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
બે બોટલ સિરપ, ઘોર નિદ્રા અને તકિયો..., નિષ્ઠુર માતાએ કેવી રીતે કરી હતી ચાર વર્ષના પુત્રની હત્યા 1 - image


Killer Mother Suchana Seth: માઈન્ડ ફૂલ એઆઈ લેબ નામની કંપનીની સીઈઓ સૂચના સેઠે કરેલી ચાર વર્ષના પુત્રની હત્યાના કેસમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે.   આ મામલે છેલ્લા 24 કલાકમાં પોલીસે કરેલી પૂછપરછમાં ઘણી બધી બાબતો સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, 2020માં એઆઈ એથિક્સ લિસ્ટની ટોપ 100 પ્રતિભાશાળી મહિલાઓમાં પણ સૂચના સેઠને સ્થાન મળ્યું હતું. 

પોલીસના મતે હત્યાનું આગોતરું આયોજન કરાયું હતું

પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે સૂચના સેઠે હત્યા કરતા પહેલા જ બાળકને કફ સિરપનો હાઈ ડોઝ આપ્યો હતો. બાદમાં બાળક ગાઢ નિદ્રામાં હતું ત્યારે જ તેણે ઓશીકા કે કપડાંથી મોં દબાવીને તેની હત્યા કરી હતી.   પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકના શરીર પર કોઈ પણ પ્રકારના ઘાનો ઉલ્લેખ નથી. આ કેસના તપાસ અધિકારીના મતે, આ બધી બાબતો જોતા સ્પષ્ટ થાય છે કે આ હત્યાનું આગોતરું આયોજન કરાયું હતું. પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટરનું પણ કહેવું છે કે બાળકની હત્યા કોઈ હથિયાર વડે નથી કરાઈ, પરંતુ ઓશીકા કે કપડાંથી ગૂંગળાવીને કરાઈ છે. બાળકનું મૃત્યુ શ્વાસ રુંધાઈ જવાથી થયું હતું. 

બાળકની હત્યા નહીં કર્યાનું સૂચના સેઠનું રટણ

સૂચના સેઠ હોટલના જે રૂમમાં રોકાઈ હતી ત્યાંથી પોલીસને બે કફ સિરપની બોટલ મળી છે. તે પૈકી એક બોટલ તેણે હોટલ સ્ટાફ સાથે મંગાવી હતી જ્યારે એક તેની પાસે પહેલેથી હોઈ શકે છે. હાલ તો સૂચના સેઠ રટણ કરી રહી છે કે, 'મેં મારા પુત્રની હત્યા નથી કરી.' જોકે પોલીસનું અનુમાન છે કે બાળક ગાઢ નિદ્રામાં જતો રહે એ માટે જ આ સિરપનો ઉપયોગ કરાયો હશે અને પછી તેની હત્યા કરાઈ હશે. પોલીસ પૂછપરછમાં પણ સૂચના સેઠે કહી રહી છે કે 'હું સૂઈ રહી હતી ત્યારે મારો પુત્ર મૃત હાલતમાં મળ્યો હતો.

પતિ વેંકટ રમણે આપી પોસ્ટમોર્ટમની પરમિશન

સૂચના શેઠના લગ્ન 2010માં થયા હતા. 2019માં તેણે એક પુત્રને જન્મ આપ્યો. આ દરમિયાન દંપતિ વચ્ચે વિખવાદ વધી ગયો અને 2020માં મામલો કોર્ટ પહોંચ્યો અને બંનેએ છુટાછેડા લીધા. કોર્ટે આદેશ આપ્યો હતો કે, બાળકના પિતા રવિવારે પુત્રને મળી શકે છે. આ વાતથી સૂચના સેઠ ગુસ્સે ભરાઈ હતી. હાલ તો આને જ બાળકની હત્યાનું કારણ માનવામાં આવે છે. સૂચના સેઠ મૂળ બંગાળની રહેવાસી છે અને બેંગલુરુમાં રહે છે. તેના પૂર્વ પતિ કેરળના છે, જે હાલ ઈન્ડોનેશિયામાં છે. ગોવા પોલીસ દ્વારા તેમને તાત્કાલિક ભારત બોલવવામાં આવ્યા હતા અને તેમણે જ બાળકના પોસ્ટમોર્ટમની પરમિશન આપી હતી. 

આખરે હત્યાનો ભાંડાફોડ કેવી રીતે થયો?

ગોવા પોલીસના જણાવ્યા પ્રમાણે હોટલ સંચાલકે સોમવારે પોલીસને ફોન કરીને કહ્યું કે તેમના સ્ટાફે એક રૂમમાં લોહીના ડાઘા જોયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા જેમાં સૂચના સેઠ તેના પુત્ર સાથે આ હોટલ રૂમમાં આવતી દેખાઈ, પરંતુ ચેકઆઉટ વખતે તેની સાથે તેનો પુત્ર ન હતો. એ વખતે તેના હાથમાં એક મોટી બેગ હતી. આ ઉપરાંત તેણે હોટલ સ્ટાફને ગોવાથી બેંગલુરુ જવા એક ટેક્સી કરી આપવાનું કહ્યું હતું. ત્યારે હોટલમાં હાજર સ્ટાફે તેને કહ્યું હતું કે કેબનું ભાડું ખૂબ વધારે રહેશે. એટલે તમારે ફ્લાઈટમાં બેંગલુરુ જવું જોઈએ. આમ છતાં તેણે ટેક્સી કરવાની જીદ કરી હતી. આ બધું સાંભળીને પોલીસે શંકા ગઈ.

મૃતદેહ મૂકેલી બેગ લઈને ટેક્સીમાં બેઠી

જોકે હોટલ સ્ટાફે ટેક્સી બોલાવી લીધી હોવાથી સૂચના સેઠ તેનો સામાન લઈને બેંગલુરુ જતી રહી હતી. તેથી ગોવા પોલીસે ટેક્સી ડ્રાઈવરને ફોન કર્યો અને સૂચના સેઠને તેના પુત્ર વિશે જણાવવા કહ્યું. ત્યારે તેણે પોલીસને કહ્યું કે 'મારો પુત્ર ગોવામાં એક સંબંધીના ઘરે છે.' પોલીસે તે સરનામું લઈને ત્યાં પણ તપાસ કરી, પરંતુ તે ખોટું નીકળ્યું. આમ, પોલીસની શંકા વધુ ઘેરી બની અને તેમણે ડ્રાઈવરને નજીકના પોલીસ મથકે પહોંચી જવાનું કહ્યું. છેવટે ડ્રાઈવર ચિત્રદુર્ગ પોલીસ મથકે પહોંચી ગયો અને સૂચના સેઠનો ભાંડાફોડ થયો. હાલ તે ગોવા પોલીસની અટકાયતમાં છે.

બે બોટલ સિરપ, ઘોર નિદ્રા અને તકિયો..., નિષ્ઠુર માતાએ કેવી રીતે કરી હતી ચાર વર્ષના પુત્રની હત્યા 2 - image


Google NewsGoogle News