સ્વદેશી અગ્નિ-૫નું સફળ પરીક્ષણ, હવે આખુ ચીન ભારતની રેન્જમાં

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
સ્વદેશી અગ્નિ-૫નું સફળ પરીક્ષણ, હવે આખુ ચીન ભારતની રેન્જમાં 1 - image


- વડાપ્રધાન મોદીએ DRDOના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા

- 5500 કિ.મી. સુધી લક્ષ્યભેદ કરવા સક્ષમ અગ્નિ-5 મિસાઇલ દસેક શસ્ત્રો લઈ જઈ શકતું હોવાથી એક સાથે અનેક ટાર્ગેટને વીંધવા માટે સક્ષમ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન દિવ્યાસ્ત્ર માટે અગ્નિ-૫ મિસાઇલનું સફળ પરીક્ષણ કરનારા ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા. . વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મિશન દિવ્યાસ્ત્ર માટે આપણને ડીઆરડીઓના વૈજ્ઞાનિકો  પર ગર્વ છે. ૨૦૨૨માં પણ ભારતની આ સૌથી શક્તિશાળી મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.  ભારતનું આ સૌથી શક્તિશાળી મિસાઇલ ૫,૫૦૦ કિ.મી. સુધીની મારક ક્ષમતા ધરાવે છે. તે પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ છે. 

અગ્નિ-૫ મિસાઇલનું વજન લગભગ ૫૦ હજાર કિલો છે. તે ૧૭.૫ મીટર લાંબી છે. તેનો વ્યાસ બે મીટર એટલે કે ૬.૭ ફૂટ છે. તેના ઉપર ૧,૫૦૦ કિલોગ્રામ વજનના પરમાણુ શસ્ત્રો લાગી શકે છે. આ મિસાઇલમાં ત્રણ સ્ટેજમાં રોકેટ બૂસ્ટર છે, જે સોલિડ ફ્યુઅલથી ઉડે છે. તેની ઝડપ અવાજની ઝડપ કરતાં ૨૪ ગણી વધારે છે. એટલે કે આ મિસાઇલ એક સેકન્ડમાં ૮.૧૬ કિ.મી.નું અંતર ખેડી નાખે છે. 

અગ્નિ-૫ મિસાઇલ પ્રતિ કલાક ૨૯,૪૦૧ કિ.મી.ની ઝડપે દુશ્મન પર હુમલો કરે છે. તેમા રિંગ લેઝર ગાઇરોસ્કોપ ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ, જીપીએસ, નેવઆઇસી સેટેલાઇટ ગાઇડન્સ સિસ્ટમ લાગેલી છે. અગ્નિ-૫ મિસાઇલ ટાર્ગેટ પર પૂરેપૂરી ચોકસાઈથી હુમલો કરે છે. જો ટાર્ગેટ તેના સ્થાનેથી ૧૦થી ૮૦ મીટર હટી જાય તો પણ અગ્નિના પ્રહારથી બચી શકતું નથી. 

આ મિસાઇલની યોજના વૈજ્ઞાનિક એમ નટરાજને ૨૦૦૭માં પહેલી વખત બનાવી હતી. તેને લોન્ચ કરવા માટે મોબાઇલ લોન્ચરનો ઉપયોગ કરી શકાય છે. તેને ટ્રક પર લોડ કરીને કોઈપણ સ્થાન પર પહોંચાડી શકાય છે. આ મિસાઇલને ૨૦૦ ગ્રામની કંટ્રોલ એન્ડ ગાઇડેડ  સિસ્ટમ નિયંત્રિત કરે છે. તે એક રીતે મિસાઇલ પર લાગેલી હોય છે. આ સિસ્ટમને ઓન ચિપ આધારિત ઓન-બોર્ડ કમ્પ્યુટર પણ કહેવાય છે. એમઆઇઆરવી ટેકનિકથી મિસાઇલની ટોચે બેથી દસ પરમાણુ શસ્ત્ર લગાવી શકાય છે. આનો અર્થ એ થાય કે એક મિસાઇલ એક સાથે અનેક કિ.મી.માં ફેલાયેલા આઠથી દસ લક્ષ્યાંકોને એકસાથે વીંધી શકે છે. 


Google NewsGoogle News