1 કરોડ ઘરોને રૂ. 78000 કરોડ સુધીની સબસિડી
- કેબિનેટની રૂ. 75,000 કરોડની રૂફટોપ સોલાર યોજનાને મંજૂરી
- રૂફટોપ સોલાર યોજના
- ધોલેરા-સાણંદ સહિત ત્રણ સ્થળો પર રૂ. 1.26 લાખ કરોડના રોકાણથી સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થપાશે, જે 300 કરોડથી વધુ ચીપ બનાવશે
- ખરીફ મોસમ માટે વિવિધ ખાતર પર રૂ. 24,420 કરોડની સબસિડીને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
- પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 1 કરોડ ઘરોને 300 યુનિટ વીજળી મફત અપાશે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ગુરુવારે કેબિનેટની એક બેઠકમાં એક કરોડ ઘરોને ૩૦૦ યુનિટ મફત વીજળી અને સોલાર પ્લાન્ટ્સના ઈન્સ્ટોલેશન માટે રૂ. ૭૮,૦૦૦ કરોડ સુધીની સબસિડી પૂરી પાડવા માટે રૂ. ૭૫,૦૨૧ કરોડની રૂફટોપ સોલાર યોજનાને મંજૂરી આપી દીધી છે. વધુમાં કેબિનેટે ભારતનું પોતાનું સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું સપનું સાકાર કરવા માટે ૩ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેમાં બે પ્રોજેક્ટ ટાટા ગ્રૂપના છે જ્યારે એક પ્રોજેક્ટ જાપાનની કંપનીનો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ગુજરાતના ધોલેરામાં એક સેમીકન્ડક્ટર પ્લાન્ટ બનશે. સેમીકન્ડક્ટરના ત્રણ પ્રોજેક્ટમાં કુલ રૂ. ૧.૨૬ લાખ કરોડનું રોકાણ કરાશે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટમાં ગુરુવારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી અપાઈ છે. આ યોજના હેઠળ એક કરોડ ઘરોને ૩૦૦ યુનિટ મફત વીજળી આપવાની સાથે વાર્ષિક રૂ. ૧૫,૦૦૦ની બચત થશે. પીએમ મોદીએ ૧૩ ફેબુ્રઆરીએ આ યોજના લોન્ચ કરી હતી, જેમાં દરેક પરિવાર માટે બે કિલોવોટ સુધીની રૂફ ટોપ સોલાર પ્લાન્ટનો ખર્ચ રૂ. ૧,૪૫,૦૦૦ થશે, જેમાં સરકાર રૂ. ૭૮,૦૦૦ સબસિડી આપશે.
આ અંગે નેશનલ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે અને ઘરોના માલિક તેના પર વેન્ડરની પસંદગી કરી શકશે. આ માટે સરળ હપ્તામાં બેન્ક પાસેથી લોન પણ મળશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ દરેક ગામમાં મોડેલ સોલાર વીલેજ બનાવાશે. કેબિનેટે રૂ. ૭૫,૦૨૧ કરોડના કુલ ખર્ચ સાથે એક કરોડ ઘરોમાં છત પર સૌર ઊર્જા પેનલ સ્થાપિત કરવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ ૧ કિલોવોટ સિસ્ટમ માટે રૂ. ૩૦,૦૦૦ની સબસિડી, ૨ કિલોવોટ સિસ્ટમ માટે રૂ. ૬૦,૦૦૦ સબસિડી, ૩ કિલોવોટ અથવા તેનાથી વધુ ક્ષમતાવાળી સિસ્ટમ માટે રૂ. ૭૮,૦૦૦ની સબસિડી અપાશે.
વધુમાં પીએમ સૂર્યોદય યોજના હેઠળ સોલર રૂફટોપ યોજનાના ભાગરૂપે કેન્દ્ર સરકારની બધી જ ઓફિસો પર સોલાર પેનલ લગાવાશે. ગ્રામીણ ક્ષેત્રોમાં રૂફટોપ સોલારને અપનાવવા માટે રોલ મોડેલ તરીકે કામ કરવા દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ વિકસિત કરાશે. તેના હેઠળ ડિસ્કોમને બાકીની વીજળીના વેચાણ મારફત પરિવાર વધારાની આવક મેળવી શકશે. રહેણાંક ક્ષેત્રોમાં રૂફટોપ સોલારના માધ્યમથી ૩૦ ગીગાવોટ સૌર ક્ષમતામાં વધારો થશે. આ નિર્ણયથી સોલાર પેનલના ઉત્પાદન, લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઈન, વેચાણ, ઈન્સ્ટોલેશન, ઓએન્ડએમ તથા અન્ય સેવાઓમાં પ્રત્યક્ષ ૧૭ લાખ રોજગારીનું સર્જન થવાનો અંદાજ છે.
વધુમાં ભારતનું પોતે જ સેમીકન્ડક્ટરનું ઉત્પાદક બનવાનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. કેન્દ્રિય કેબિનેટે ગુરુવારે દેશમાં સમીકન્ડક્ટરના ત્રણ ઉત્પાદન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેમાંથી બે પ્રોજેક્ટ ટાટા ગ્રૂપના છે જ્યારે એક પ્રોજેક્ટ જાપાનની કંપનીનો છે. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશમાં સ્થપાનારા ત્રણ સેમીકન્ડક્ટર યુનિટ્સમાં કુલ રૂ. ૧.૨૬ લાખ કરોડનું રોકાણ થવાનો અંદાજ છે. સરકારે જે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે તેમાં સીજી પાવર જાપાનની રેનેસસ ઈલેક્ટ્રોનિક્સ કોર્પ અને થાઈલેન્ડની સ્ટાર્સ માઈક્રોઈલેક્ટ્રોનિક્સ સાથે મળીને સાણંદમાં એક સેમીકન્ડક્ટર પ્લાન્ટ લગાવશે.
બીજીબાજુ ટાટા સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્રા. લિ. આસામના મોરીગામમાં રૂ. ૨૭,૦૦૦ કરોડના રોકાણથી સેમીકન્ડકન્ટર યુનિટની સ્થાપના કરશે. આ સિવાય ટાટા ગ્રૂપની જ ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રા. ગુજરાતમાં તાઈવાનની પાવરચિપ સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ સાથે મળીને ધોલેરામાં સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે. અશ્વિની વૈશ્વણે કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટ દ્વારા પ્રોજેક્ટને મંજૂર કર્યાના ૧૦૦ દિવસમાં ત્રણેય પ્લાન્ટનું નિર્માણ શરૂ થઈ જશે. ગુજરાતના ધોલેરા પ્લાન્ટમાં અંદાજે રૂ. ૯૧,૦૦૦ કરોડનું રોકાણ કરશે, જે ઈલેક્ટ્રિક વ્હિકલ્સ (ઈવી), ટેલિકોમ, ડિફેન્સ, ઓટોમોટીવ, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ડિસ્પ્લે અને પાવર ઈલેક્ટ્રોનિક્સ માટે ૨૮ એનએમ ટેક્નોલોજી સાથે હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટ ચીપનું ઉત્પાદન કરશે.
વધુમાં આ ત્રણેય પ્લાન્ટમાંથી વાર્ષિક ૩૦૦ કરોડથી વધુ ચીપ દેશમાં જ બનશે. આ ત્રણ યુનિટ્સ સાથે દેશ ચીપ ફેબ્રિકેશનમાં ક્ષમતા વિકસાવશે. અત્યાધુનિક પેકેજિંગ ટેક્નોલોજીસ ભારતમાં સ્વદેશી રીતે વિકસાવાશે. આ ત્રણ યુનિટ્સ પ્રત્યક્ષ રીતે ૨૦,૦૦૦ એડવાન્સ્ડ ટેક્નોલોજી જોબ અને ૬૦,૦૦૦ પરોક્ષ રોજગારી ઊભી કરશે.
વધુમાં કેન્દ્રીય કેબિનેટે ખરીફ મોસમ માટે ફોસ્ફેટિક અને પોટાસિક (પીએન્ડકે) ખાતરો પર રૂ. ૨૪,૪૨૦ કરોડની સબસિડીની જાહેરાત કરી છે અને કહ્યું કે ખેડૂતોને જમીન પોષક ડીએપી પર પ્રતિ ક્વિન્ટલ રૂ. ૧,૩૫૦ મળવાનું ચાલુ રહેશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, પોષણ આધારિત સબસિડીના દર ખરીફ સિઝન ૨૦૨૪-૨૫ માટે નિશ્ચિત કરવામાં આવ્યા છે, જે મુજબ ૨૦૨૪ની ખરીફ સિઝન માટે નાઈટ્રોજન પર પ્રતિ કિલો રૂ. ૪૭.૦૨, ફોસ્ફેટિક પર પ્રતિ ગ્રામ રૂ. ૨૮.૭૨, પોટાસિક પર પ્રતિ કિલો રૂ. ૨.૩૮ અને સલ્ફર પર પ્રતિ કિલો રૂ. ૧.૮૯ની સબસિડી અપાશે.
ઈન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ યોજના પણ મંજૂર
કેબિનેટની 12 ખનીજો પર રોયલ્ટી માટે એમએમડીઆર એક્ટમાં સુધારાને મંજૂરી
- આ સુધારા હેઠળ 24 ખનીજોના ખાણકામના લીઝ અને સંયુક્ત લાયસન્સની કેન્દ્ર સરકાર હરાજી કરશે
કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે ૧૨ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજો પર ચોક્કસ રોયલ્ટી રેટ માટે એમએમડીઆર એક્ટમાં સુધારાને મંજૂરી આપી છે. વધુમાં કેબિનેટે વાઘ અને અન્ય બિલાડી કુળના પ્રાણીઓની જાળવણી માટે વૈશ્વિક નેટવર્કની સ્થાપના માટે ઈન્ટરનેશનલ બીગ કેટ અલાયન્સને મંજૂરી આપી છે.
પીએમ મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય કેબિનેટે બેરીલિયમ, કેડમિયમ, કોબાલ્ટ, ગેલિયમ, ઈન્ડિયમ, રેનિયમ, સેલેનિયમ, ટાન્ટાલુમ, ટેલુરિયમ, ટિટેનિયમ, ટંગસ્ટન અને વાનાડિયમ જેવા ૧૨ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજો માટે રોયલ્ટીના ચોક્કસ દરો માટે માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૧૯૫૭ (એમએમડીઆર એક્ટ)ના સેકન્ડ શેડયુલના સુધારાને મંજૂરી આપી દીધી છે. આ સાથે બધા જ ૨૪ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજો માટે રોયલ્ટી દરોના તર્કસંગતીકરણની કાર્યવાહી પૂર્ણ થશે તેમ ખાણ અને ખનીજ મંત્રાલયે જણાવ્યું હતું. મંત્રાલયે ઉમેર્યું , એમએમડીઆર એક્ટના પહેલા શિડયુલના ભાગ ડીમાં ૨૪ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજોનો સમાવેશ કરાયો છે અને આ કાયદામાં સુધારાનો અમલ ૧૭ ઑગસ્ટ ૨૦૨૩થી થયો છે. આ સુધારા હેઠળ ૨૪ ખનીજોના ખાણકામના લીઝ અને સંયુક્ત લાયસન્સની કેન્દ્ર સરકાર દ્વારા હરાજી કરાશે.
ભારતમાં મુખ્યાલય ધરાવતા આઈબીસીએની કલ્પના મોટી બિલાડી કુળના પ્રાણીઓના સંરક્ષણ માટે એક મંચ તરીકે ૯૬ મોટી બિલાડી કુળના દેશો અને અન્યોના બહુ રાષ્ટ્રીય, બહુએજન્સીના ગઠબંધન તરીકે કરવામાં આવી છે. સિંહ, વાઘ, દીપડો, સ્નો લેપર્ડ, પુમા, જગુઆર અને ચિત્તા જેવા મોટી બિલાડી કુળના સાત પ્રાણીઓમાંથી પાંચ વાઘ, સિંહ, દીપડો, સ્નો લેપર્ડ અને ચીત્તા ભારતમાં મળી આવ્યા છે. કેબિનેટે વર્ષ ૨૦૨૩-૨૪થી ૨૦૨૭-૨૮ના પાંચ વર્ષના સમય માટે આઈબીસીએ માટે રૂ. ૧૫૦ કરોડની એક વખતની અંદાજપત્રીય સહાય મંજૂર કરી છે.