Get The App

‘પ્રદૂષણ નાથવા તમે શું કાર્યવાહી કરી’ અધિકારીએ સંતોષકારક જવાબ ન આપતાં સુપ્રીમ કોર્ટે ઝાટક્યા

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
‘પ્રદૂષણ નાથવા તમે શું કાર્યવાહી કરી’ અધિકારીએ સંતોષકારક જવાબ ન આપતાં સુપ્રીમ કોર્ટે ઝાટક્યા 1 - image


Stubble Burning And Air Pollution Case : પંજાબ અને હરિયાણામાં પરાળી સળગાવવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી, જેના કારણે પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે. હવે આ મામલાનો અંત ન આવતાં સુપ્રીમ કોર્ટે અધિકારીઓની ઝાટકણી કાઢી છે. કોર્ટે વધતાં પ્રદૂષણ મામલે કડક વલણ દાખવી એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન(CAQM)ના અધિકારીનો ઉધડો લઈ લીધો છે.

અધિકારીએ સંતોષકારક જવાબ ન આપતાં કોર્ટ નારાજ

વધતાં પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ. ઓકા અને ન્યાયાધીશ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આજે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે CAQMને તાબડતોબ પ્રશ્નો કર્યા હતા, જો કે અધિકારી સંતોષકારક જવાબ ન આપતાં કોર્ટ નારાજ થઈ છે. કોર્ટે પંજાબ અને હરિયાણામાં પરાળી સળગાવવાની ઘટનાને રોકવા માટે લેવાયેલા પગલાંઓ મામલે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને આ સંબંધમાં સત્તાવાળાઓની તૈયારી પર સવાલો ઉઠાવ્યા છે.

આ પણ વાંચો : કર્ણાટકના CM સિદ્ધારમૈયા વિરુદ્ધ નોંધાઈ FIR, પૂછપરછ માટે બોલાવી શકે છે લોકાયુક્ત પોલીસ

સુપ્રીમે કર્યા સવાલ, જવાબ ન આપી શક્યા અધિકારી

બેન્ચે કમિશનની કામગીરી અને પગલાં પર સવાલો ઉઠાવી અધિકારીને કહ્યું કે, ‘અમે આપેલો આદેશ બધો જ હવામાં જઈ રહ્યો છે. આખરે દર વર્ષે શિયાળા દરમિયાન દિલ્હી અને એનસીઆરમાં થતાં પ્રદૂષણને અટકાવવા માટે કેમ કોઈ પ્રયાસો કરવામાં આવતા નથી? પ્રજાને સ્વચ્છ હવાનો અધિકાર છે, પરંતુ પ્રદૂષણ અટકાવવા માટે કોઈપણ પગલાં ભરવામાં આવતાં નથી.’ અધિકારી સુપ્રીમ કોર્ટના પ્રશ્નોના યોગ્ય જવાબો આપી શક્યા ન હતા, જેના કારણે કોર્ટે આકરી ઝાટકણી કાઢી હતી.

સુપ્રીમ કોર્ટે કમિશન પાસે રિપોર્ટ માંગ્યો

દર વર્ષે શિયાળા દરમિયાન પરાળી સળગાવવાના કારણે દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણ ખૂબ જ ગંભીર બની રહ્યું છે, ત્યારે આ ગંભીર સમસ્યા માટે કોર્ટે કમિશન પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે અને આગામી સુનાવણી 18મી ઑક્ટોબરે હાથ ધરવાનો નિર્ણય લીધો છે. હવે જોવાનું એ રહ્યું કે, પ્રદૂષણ નાથવા માટે અધિકારીઓએ નવા નક્કર પગલાં ભરવા શું નિર્ણય લીધો, તેનો આગામી સુનાવણીમાં જવાબ આપી શકશે?

આ પણ વાંચો : હરિયાણામાં કોંગ્રેસની મોટી કાર્યવાહી, 13 દિગ્ગજ નેતાઓની છ વર્ષ માટે કરી હકાલપટ્ટી


Google NewsGoogle News