લિવ-ઇન સંબંધમાં નૈતિક મૂલ્યો બચાવવા માળખુ જરૂર : હાઇકોર્ટ
- આરોપી યુવકને અલ્લાહાબાદ હાઇકોર્ટે જામીન આપ્યા
- પાર્ટનર પ્રત્યે જવાબદારીથી બચવા યુવા વર્ગ લિવ-ઇન તરફ આકર્ષીત થઇ રહ્યો છે : જજ
પ્રયાગરાજ : અલ્લાહાબાદ હાઇકોર્ટે લિવ-ઇન રિલેશનશિપને લઇને ટકોર કરતા કહ્યું હતું કે આ પ્રકારના સંબંધોને સમાજમાં હજુ સ્વીકારવામાં નથી આવી રહ્યા પરંતુ યુવા વર્ગ આકર્ષણને કારણે આવા સંબંધોમાં જોડાય છે અને સરળતાથી જવાબદારીથી દૂર થઇ જાય છે. એવામાં આ પ્રકારના સંબંધોમાં નૈતિક મૂલ્યોને બચાવવા યોગ્ય માળખુ હોવુ જોઇએ.
વારાણસીના આકાશ કેસરી સામે એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આકાશ તેની સાથે લગ્નનુ કહીને સંબંધમાં આવ્યો હતો, બાદમાં તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ મામલામાં આઇપીસી તેમજ એસસી-એસટી કાયદા હેઠળ આકાશ સામે ફરિયાદ દાખલ થઇ હતી. આકાશે અલ્લાહાબાદ હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટે માન્ય રાખી હતી. જે દરમિયાન આ અવલોકન કર્યું હતું. યુવક પર ગર્ભપાત કરાવવા, જાતિ સંબંધી ટિપ્પણીઓ કરવા, મારપીટ વગેરેનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
જામીન મંજૂર કરતી વખતે હાઇકોર્ટના જજ નલીન કુમાર શ્રીવાસ્તવે કહ્યું હતું કે જ્યાં સુધી લિવ-ઇન રિલેશનશિપની વાત છે તો તેને સમાજ દ્વારા સ્વીકૃતિ નથી મળી પરંતુ યુવા વર્ગ આ પ્રકારના સંબંધમાં જલદી આકર્ષીત થઇ જાય છે અને પોતાના પાર્ટનર સાથેની જવાબદારીથી ગમે ત્યારે છટકી જાય છે જેને કારણે પણ આવા સંબંધમાં જોડાવાનું પસંદ કરતા હોય છે. આવી સ્થિતિમાં નૈતિક મૂલ્યોને બચાવવા માટે ચોક્કસ માળખુ હોવુ જોઇએ. આ પહેલા આરોપીના વકીલે એવી દલીલ કરી હતી કે ફરિયાદી યુવતી મરજીથી સંબંધમાં જોડાઇ હતી તે સમયે બન્ને પુખ્ત વયના હતા, લગ્નનું પણ કોઇ વચન આપવામાં નહોતુ આવ્યું.