કોલકાતા કેસ: હડતાળિયા ડૉક્ટરો CM મમતા બેનરજી સાથે વાતચીત કરતા તૈયાર, જોકે રાખી આ શરતો

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
કોલકાતા કેસ: હડતાળિયા ડૉક્ટરો CM મમતા બેનરજી સાથે વાતચીત કરતા તૈયાર, જોકે રાખી આ શરતો 1 - image

Kolkata RG Kar Hospital Case : કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરોની હડતાળ (Doctor Strike) ખતમ કરવા મુખ્યમંત્રી મમતા બેનરજી ઘણાં દિવસોથી પ્રયાસ કરી રહ્યા છે. જૂનિયર ડૉક્ટરો ગઈકાલે મમતા સરકારે મોકલેલા પ્રસ્તાવનો ઈન્કાર કર્યો હતો, ત્યારે હવે તેઓ મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે વાતચીત કરવા તૈયાર થઈ ગયા છે. આ માટે તેઓએ મુખ્યમંત્રી કાર્યાલયને ઈ-મેલ મોકલીને સહમતી સાધી છે, જોકે આ સાથે તેમણે કેટલીક શરતો પણ મુકી છે. ડૉક્ટરો દ્વારા બુધવારે સવારે લગભગ 3.49 કલાકે મુખ્યમંત્રી કાર્યાલયને ઈ-મેલ મોકલાયો હતો, જેના જવાબમાં મમતા સરકારે તેમને રાજ્ય સચિવાલયમાં બેઠકમાં સાંજે સામેલ થવા વિનંતી કરી હતી. જોકે હવે ડૉક્ટરોએ વાતચીત માટે પોતાની કેટલીક શરતો રાખી છે.

મુખ્ય સચિવે વાતચીત કરવા માટે મેઈલ મોકલ્યો હતો

વાસ્તવમાં મુખ્ય સચિવ મનોજ પંતે ડૉક્ટરો સાથે વાતચીત કરવા માટે મેઈલ મોકલ્યો હતો. જેમાં કહેવાયું હતું કે, ‘અમે તમારા પ્રતિનિધિમંડળને, જેમાં ઓછામાં ઓછા 12થી 15 સહકર્મી સામેલ હોય, તેમને આજે સાંજે નબાન્નામાં ચર્ચા માટે આમંત્રણ આપીએ છીએ. તમે અમને તમારા પ્રતિનિધિમંડળની યાદી મોકલો. અમે તમારા સકારાત્મક પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છીએ અને સફળ વાતચીતની આશા રાખીએ છીએ.’

આ પણ વાંચો : મમતા બેનરજીનો આરજી કર હોસ્પિટલમાં હડતાલ ખતમ કરવાનો પ્લાન ફેલ, ડૉક્ટરોએ મોકલ્યો આ સંદેશ

જૂનિયર ડૉક્ટરોએ વાતચીત કરવા માટે રાખી કેટલીક શરતો

જૂનિયર ડૉક્ટરોએ અગાઉ સરકારના પ્રસ્તાવને ફગાવ્યો હતો, જોકે હવે તેમણે વાતચીત કરવા માટે સરકાર સમક્ષ કેટલીક શરતો રાખી છે. આ મામલે દેખાવ કરી રહેલા ડૉક્ટરોએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે, ‘અમને પશ્ચિમ બંગાલ સરકારનો એક મેઈલ મળ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે, બેઠક માટે 30 લોકોના પ્રતિનિધિમંડળની મંજૂરી આપવામાં આવે. અમે ઈચ્છીએ છીએ કે, આ બેઠકમાં મુખ્યમંત્રી મમતા બેનરજી (CM Mamata Banerjee) પણ ઉપસ્થિત રહે. આ ઉપરાંત અમારી અને તેમની વચ્ચેની બેઠકનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવે, જેથી તમામને ખબર પડે કે, અમારા વચ્ચે શું ચર્ચા થઈ.’ હવે જોવાનું એ રહ્યું કે, શું મમતા સરકાર ડૉક્ટરોની આ શરતો માનશે અને માનશે તો બેઠક ક્યારે યોજાશે?

સુપ્રીમનો આદેશ છતાં હડતાળ ખતમ ન કરાઈ

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ડૉક્ટરોને હડતાળ ખતમ કરવા માટે ડેડલાઈન આપી હતી, જોકે તેમ છતાં તેઓએ હડતાળ ખતમ કરી ન હતી. કોર્ટે ડૉક્ટરોને મંગળવારે સાંજે પાંચ વાગ્યે કામ પર પરત ફરવાની ડેડલાઈન આપી હતી, જોકે તેઓએ દેખાવો ચાલુ રાખ્યા હતા. બીજીતરફ મમતા સરકારે પણ ડૉક્ટરોના 10 પ્રતિનિધિઓને મંગળવારે મળવા બોલાવ્યા હતા. આ માટે વિદ્યાર્થીઓને પણ ઈ-મેઈલ કરવામાં આવ્યો હતો. જોકે તેઓએ મમતા સરકારના પ્રસ્તાવનો ઈન્કાર કરી દીધો હતો. જોકે હવે ડૉક્ટરોએ કેટલીક શરતો મૂકી સરકાર સાથે વાતચીત કરવા તૈયાર થઈ ગયા છે.

આ પણ વાંચો : ચંડીગઢમાં હેન્ડ ગ્રેનેડ વિસ્ફોટ, ત્રણ અજાણ્યા શખસો ઘટનાને અંજામ આપી ફરાર

અગાઉ મળેલા ઇમેલને ડોક્ટરોએ વાંધાજનક ગણાવ્યો હતો

આ પહેલા બંગાળ સરકારના ઇમેલને વાંધાજનક ગણાવતા ડોક્ટરોએ કહ્યું હતું કે, અમને ખૂબ જ આશ્ચર્યજનક મેલ મળ્યો છે. અમારી સરકાર પાસે પાંચ માગણીઓ હતી, જેમાં કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલ, રાજ્યના આરોગ્ય સચિવ, આરોગ્ય શિક્ષણ નિયામક (DHE) અને આરોગ્ય સેવાઓના નિયામક (DHS)ને પદ પરથી હટાવવાની માંગનો સમાવેશ થાય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે સચિવને અમે હટાવવાની માંગ કરી હતી તેમણે અમને મેઈલ કર્યો છે. અમે હંમેશા વાતચીત માટે તૈયાર છીએ, પરંતુ આરોગ્ય સચિવે અમને મેલ મોકલવો તે અમારા માટે ખૂબ જ અપમાનજનક છે. આ સ્થિતિમાં અમને લાગે છે કે વાતચીત માટે કોઈ અવકાશ નથી. જો મુખ્યમંત્રી કાર્યાલય તરફથી ઈ-મેલ મળશે તો અમે ચોક્કસપણે નિર્ણય લઇશું કે મીટિંગમાં જવું કે નહીં.


Google NewsGoogle News