રખડતા શ્વાન લોકો માટે ત્રાસદાયક બાળકો સ્કૂલે જતા ડરે છે : હાઇકોર્ટ
શ્વાનથી કંટાળી સ્થાનિકો કેરળ હાઇકોર્ટ પહોંચ્યા
શ્વાનની સુરક્ષા જરૂરી પણ પશુ પ્રેમિઓએ માનવ જીવનને વધુ મહત્વ આપવું જોઇએ ઃ હાઇકોર્ટની સલાહ
તિરુવનંતપુરમ: કેરળ હાઇકોર્ટે શહેરોમાં વધી રહેલી શ્વાનોની સંખ્યાને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને સાથે જ શ્વાનને પાળનારાઓને સલાહ આપી છે કે તેઓએ શ્વાનો કરતા માનવીઓને વધુ પ્રાથમિકતા આપવી જોઇએ. કૂતરા દ્વારા લોકોને કરડવાના કેસોમાં વધારો થયો છે. જેને કારણે હાઇકોર્ટે આ ચિંતા વ્યક્ત કરી હતી. સાથે પશુ પ્રેમિઓને કહ્યું હતું કે તેઓએ પશુઓના અધિકારો અંગે લખવા કરતા સરકારી એજન્સીઓ સાથે મળીને કામ કરવું જોઇએ.
હાઇકોર્ટના ન્યાયાધીશ પીવી કુન્હિકૃષ્ણને કહ્યું હતું કે શ્વાન પ્રેમિઓએ પ્રિન્ટ અને વિઝ્યુઅલ મીડિયામાં લખવા કરતા સુરક્ષા માટે સ્થાનિક સરકારી સંસ્થાઓની મદદ માટે આગળ આવવું જોઇએ. રખડતા શ્વાન હાલ સમાજમાં ખતરો પેદા કરી રહ્યા છે. લોકોના દૈનિક જીવન પર અસર કરી રહ્યા છે. અને તેનો સૌથી વધુ ભોગ બાળકો અને વૃદ્ધો બની રહ્યા છે. બાળકો માતા પિતા કે અન્ય કોઇ સથવારા વગર સ્કૂલે જતા ડરે છે, તેઓને એવો ડર લાગે છે કે કૂતરા તેમના પર હુમલો કરશે. અનેક નાગરિકો સવારે મોર્નિંગ વોક પર જતા હોય છે. જોકે આ મોર્નિંગ વોક પણ રખડતા કૂતરાઓના ત્રાસને કારણે શક્ય નથી બનતી. ન્યાયાધીશે વધુમાં કહ્યું હતું કે જો રસ્તે ખડતા કૂતરાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તો શ્વાન પ્રેમિઓ તેમના અધિકારોની વાતો કરવા લાગે છે. પણ મને લાગી રહ્યું છે કે આવા શ્વાન પ્રેમિઓએ શ્વાન કરતા માનવ જીવનને વધુ મહત્વ આપવું જોઇએ. આપણે દૈનિક સમાચારોમાં જોઇએ છીએ કે અવાર નવાર એવા અહેવાલો સામે આવે છે જેમાં કૂતરાએ બાળકો અને વૃદ્ધો પર હુમલો કર્યો હોય. જોકે સાથે કોર્ટે એમ પણ કહ્યું હતું કે કૂતરાઓ પર થતા હુમલાને પણ અટકાવવા જરૂરી છે. પશુ પ્રેમિઓએ પણ શ્વાનની સુરક્ષા માટે સરકાર સાથે મળીને કામ કરવું જોઇએ. સ્થાનિકો દ્વારા હાઇકોર્ટમાં બે અરજી કરાઇ હતી, જેમાં રસ્તે રખડતા કૂતરાઓ અને પશુ પ્રેમિઓ અંગે ફરિયાદ કરાઇ હતી. જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ ટિપ્પણી કરી હતી.