Get The App

ભાજપનો ગેમ પ્લાન : મંત્રીમંડળ, ખાતાં ફાળવણી બાદ જ સરકાર રચશે, શિંદે પર દબાણની સ્ટ્રેટજી

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
BJP Plan for Maharashtra CM


BJP Plan for Maharashtra CM: એકનાથ શિંદે મુખ્યપ્રધાન પદ માટે જીદ ચાલુ રાખે તો પણ ભાજપ અજિત પવારના 41 તથા અન્ય પક્ષો અને અપક્ષ મળીને બીજા પાંચ ટેકેદાર ધારાસભ્યોનો સાથ લઈ સરકારની રચના ગમે તે ઘડીએ કરી શકે છે. આમ છતાં પણ ભાજપ દ્વારા સરકાર રચનામાં વિલંબ અંગે જાત જાતની અટકળો થઈ રહી છે. 

એક દાવા અનુસાર ભાજપે લાંબા ગાળાનો ગેમ પ્લાન વિચાર્યો છે. મંત્રીમંડળની રચના, ખાતાં ફાળવણી, પ્રભારી મંત્રીઓ વગેરે બાબતો નક્કી થયા પછી બધું પાકે પાયે કરીને જ તે સરકાર રચવા માગે છે.

સરકારની રચનામાં વિલંબ સર્જી શિંદે પર દબાણ લાવવાની સ્ટ્રેટેજી

ભાજપના કેન્દ્રીય નેતાઓ હાલ લોકસભાના શિયાળુ સત્રમાં પણ વ્યસ્ત છે. આ વખતે સરકાર રચનામાં વિલંબ થાય તો પણ તે સ્થિતિનો ફાયદો વિપક્ષ લઈ શકે તેવી હાલતમાં નથી. ખુદ શિંદે પણ અન્ય કોઈ રીતે સીએમ પદ જાળવી રાખવામાં સફળ થાય તેમ નથી. આથી, ભાજપ પ્રતીક્ષા લંબાવી તેમના પર માનસિક દબાણ પણ લાવી રહી છે.

આ પણ વાંચો: બેલેટ પેપરથી ચૂંટણી માટે સમગ્ર દેશમાં અભિયાનની કોંગ્રેસની જાહેરાત

અજિત તથા અન્ય પક્ષો-અપક્ષના ટેકાથી ભાજપ સરકાર રચી શકે તેમ છે છતાં પણ વિલંબ

એકવાર સીએમ નક્કી થઈ જાય તે પછી ફરી મંત્રીમંડળની રચનામાં શિંદે સેના તથા અજિતની એનસીપી ખટપટ કરી શકે તેમ છે. તેને બદલે ભાજપે એકવારમાં જ સીએમ, કોના કેટલા મંત્રી બને તે, કોને કયા ખાતા મળે તે, કયા જિલ્લાના પ્રભારી કોના મંત્રી બને તે વગેરે તમામ બાબતો એકસાથે જ નક્કી કરી દેવાનું વિચાર્યું છે. જેથી એકવાર સરકાર રચાઈ ગયા પછી દિવસોના દિવસો સુધી આ બધી ગતિવિધિઓ કે ખેંચતાણમાં પ્રદેશ નેતાઓ કે કેન્દ્રીય નેતાઓનો પણ સમય વેડફાય નહિ.

ભાજપના એક ટોચના નેતાએ દાવો કર્યો હતો કે સાથી પક્ષો સાથે નજીકના ભવિષ્યમાં કોઈ ઘર્ષણ ન થાય તે માટે આ વ્યુહ વિચારવામાં આવ્યો છે.

ભાજપનો ગેમ પ્લાન : મંત્રીમંડળ, ખાતાં ફાળવણી બાદ જ સરકાર રચશે, શિંદે પર દબાણની સ્ટ્રેટજી 2 - image


Google NewsGoogle News