Get The App

ફક્ત 20ml લોહીના સેમ્પલથી કેન્સરની આગોતરા જાણકારી મળી જશે, 10 પ્રકારના કેન્સરના નિદાન માટે એક જ ટેસ્ટ

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
Early Symptoms of Cancer Can be Recognized


Early Symptoms of Cancer Can be Recognized: કેન્સરના આગોતરા નિદાન માટે ભારતમાં માત્ર બ્લડ સેમ્પલ આધારિત ટેસ્ટ લોન્ચ થઈ ગયો છે. જિનોમિક્સ આધારિત આ ટેસ્ટ એક સાથે 10 પ્રકારના કેન્સરની સંભાવના દરદીમાં છે કે નહીં તેની આગોતરા ચેતવણી આપી શકે છે.

10 પ્રકારના કેન્સરના નિદાન માટે એક જ ટેસ્ટ 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી સ્ટ્રેન્ડ લાઇફ સાયન્સીસે સોમવારે ‘કેન્સર સ્પોટ’ નામના આ ટેસ્ટની જાહેરાત કરી હતી. લંગ, પેનક્રિયાસ, લીવર, ઓવરી, ગોલ બ્લેડર, કોલન કે રેક્ટલ કેન્સર અને અન્નનળીમાં થતાં કેન્સરનું આગોતરું નિદાન શક્ય છે.

ભારતમાં દર નવ વ્યક્તિમાંથી એક વ્યક્તિને કેન્સરની શક્યતા રહેલી છે. આ બ્લડ સેમ્પલ આધારિત ટેસ્ટમાં ભારતમાં પ્રવર્તમાન લગભગ બધા પ્રકારના કેન્સરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓરલ કે ગળાના કેન્સર માટે તંબાકુનું વ્યસન જવાબદાર છે એટલે તે સામેલ નથી, એમ સ્ટ્રેન્ડના ફાઉન્ડર ડૉ. રમેશ હરિહરને જણાવ્યું હતું.

કેન્સરના કોષના DNAને ઓળખવામાં મદદરૂપ

કેન્સરના કોષ વિકસે અને મરે ત્યારે લોહીના પ્રવાહમાં પોતાના ડીએનએ છોડતા રહે છે. કેન્સર સ્પોટ નામનો આ ટેસ્ટ જિનોમ સિકવન્સીંગ અને મિથેઈલેશન દ્વારા લોહીમાં કેન્સરના કોષના DNAને ઓળખી કાઢી આગોતરા ચેતવણી આપે છે. અહીં નોંધવું જોઈએ કે દર્દીને કેન્સર થવાની સંભાવના અથવા તો તે પ્રથમ કે બીજા તબક્કામાં છે કે નહીં તેની ચેતવણી નવા ટેસ્ટથી શક્ય છે, એમ ડૉ. હરિહરને ઉમેર્યું હતું.

કેન્સરની સારવારમાં ઝડપી નિદાન જરૂરી 

કેન્સરની સારવારમાં જેટલી ઝડપથી તેનું નિદાન થાય એ જરૂરી છે. સ્ટ્રેન્ડ લાઇફસાયન્સના કેન્સર સ્પોટ બ્લડ ટેસ્ટમાં કેન્સરની શક્યતા અંગે 80% અને પ્રથમ કે બીજા તબક્કાની જાણકારી અંગે 90% કરતાં વધારે સચોટ નિદાન શક્ય છે.

આ ટેસ્ટ હાલ બેંગ્લોર સ્થિત ફેસિલિટીમાં જ થશે 

ટેસ્ટિંગ કરાવવા ઇચ્છતી વ્યક્તિએ બ્લડ કલેકશન માટે સ્ટેન્ડ સાથે જોડાયેલી લેબનો સંપર્ક કરી કે વેબસાઇટ ઉપર વિગતો ભરી તેનું બુકિંગ કરાવી શકે છે. જિનોમિક્સ માટેનું પરીક્ષણ અને એનાલિસિસ સ્ટ્રેન્ડની બેંગ્લોર સ્થિત ફેસિલિટીમાં જ કરવામાં આવશે એમ ડૉ. હરિહરને જણાવ્યું હતું. આ બ્લડ સેમ્પલનો ખર્ચ રૂ.15000થી 20,000 જેટલો છે જે ભવિષ્યમાં ઘટી શકે છે.

આ પણ વાંચો: પંજાબ : સુવર્ણ મંદિરમાં ગોળીબાર, પૂર્વ ડે.સીએમ સુખબીર બાદલ પર જીવલેણ હુમલાથી હડકંપ

કેવી રીતે થશે ટેસ્ટ?

- કેન્સર માટે એમઆરઆઇ, કોલોનોસ્કોપી અને અન્ય પ્રકારના ટેસ્ટ પ્રવર્તમાન છે. દરેક જગ્યાએ આ સુવિધા ઉપલબ્ધ નથી.

- નવા ટેસ્ટમાં માત્ર 20 ml જેટલા લોહીનું સેમ્પલ લેવામાં આવે છે. આ સેમ્પલ સ્ટેન્ડ લાઇફની લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને 4થી 6 દિવસમાં ટેસ્ટના રિઝલ્ટ દર્દીને મળી જશે.

કોણે ટેસ્ટ કરાવવો જોઈએ?

- ભારતમાં સામાન્ય રીતે 40 કે તેથી વધુ ઉંમરના લોકોને કેન્સરની શક્યતા જોવા મળે છે.

- આગોતરા ચેતવણી માટેનો ટેસ્ટ 45 વર્ષ કે તેની આસપાસ કરાવવો જોઈએ. કેટલાક કેન્સર ઝડપથી ફેલાતા હોય છે તો સાવચેતીના ભાગરૂપે ટેસ્ટિંગ દર એકથી દોઢ વર્ષે કરાવવું જોઈએ.

ફક્ત 20ml લોહીના સેમ્પલથી કેન્સરની આગોતરા જાણકારી મળી જશે, 10 પ્રકારના કેન્સરના નિદાન માટે એક જ ટેસ્ટ 2 - image



Google NewsGoogle News