રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવી દીધું પરંતુ પેપર લીક રોકી શક્યા નહીં : રાહુલ
- પેપર લીક ખતરનાક બીમારી, ગુજરાત તેની પહેલી પ્રયોગશાળા બન્યું
- પીએમ મોદી માનસિક રીતે ભાંગી પડયા, 56ની છાતીનો દાવો કરનારા મોદીની છાતી 32 ઈંચની થઈ ગઈ
- દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષા પ્રક્રિયા ભાંગી પડી, લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું : તૃણમૂલ
નવી દિલ્હી : દેશભરમાં હાલ નીટ-યુજી ૨૦૨૪માં ગેરરીતિ, પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. આવા સમયે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ આ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલા કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, પીએમ નરેન્દ્ર મોદીએ પેપર લીક રોકી શકતા નથી કે પછી રોકવા માગતા નથી. વિપક્ષે પણ નીટ મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે શિક્ષણ સંસ્થાઓ પર ભાજપ અને તેના માતૃ સંગઠન સાથે સંકળાયેલા લોકોએ કબજો કરી લીધો છે. જ્યાં સુધી આ સ્થિતિ બદલાશે નહીં ત્યાં સુધી પેપર લીક રોકાશે નહીં. નરેન્દ્ર મોદી પેપર લીક મુદ્દે ચુપ છે, કારણ કે તેઓ તેને રોકી નથી શકતા. વિપક્ષ સંસદના આગામી સત્રમાં પેપર લીકનો આ મુદ્દો ઉઠાવશે. રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદમાં પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, કહેવાતું હતું કે નરેન્દ્ર મોદીજીએ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવી દીધું હતું... પરંતુ તેઓ હિન્દુસ્તાનમાં પેપર લીક રોકી શક્યા નથી અથવા રોકવા માગતા નથી.
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, દેશમાં યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. મધ્ય પ્રદેશમાં થયેલું વ્યાપમ કૌભાંડ સમગ્ર દેશમાં ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. નીટમાં પેપર લીક અને ગેરરીતિઓની તપાસ થવી જોઈએ. કોઈક તો આ માટે જવાબદાર છે. તેને પકડવા જોઈએ. ગૂનેગારોને તાત્કાલિક પકડીને સજા કરવાની જરૂર છે. પેપરલીક ખતરનાક બીમારી છે અને તેની પ્રયોગશાળા સૌથી પહેલાં ગુજરાત જ રહ્યું છે. ત્યાર પછી મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સુધી વ્યાપકપણે આ બીમારી ફેલાયેલી છે. ભાજપ જેને ગુજરાત મોડેલ કહે છે તે અંગે વડાપ્રધાન મોદીએ કહેવું જોઈએ કે શું આ જ તેમનું ગુજરાત મોડેલ છે, જે પેપર લીક જેવી બીમારી ફેલાવીને દેશના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે, દેશમાં ભાજપના કારણે શૈક્ષણિક, રાષ્ટ્રીય અને સંસ્થાગત સંસ્થાઓ જોખમમાં છે. શિક્ષણ સંસ્થાઓ પર ભાજપ અને તેના માતૃ સ ંગઠન સાથે સંકળાયેલા લોકોએ કબજો કરી લીધો છે. જ્યાં સુધી આ સ્થિતિ નહીં બદલાય ત્યાં સુધી પેપર લીક બંધ નહીં થાય. પહેલા પીએમ મોદીની છાતી ૫૬ ઈંચની હતી, પરંતુ હવે તે ૩૨ ઈંચની થઈ ગઈ છે. પીએમ મોદી માનસિક રીતે ભાંગી પડયા છે અને તેમને આ પ્રકારની સરકાર ચલાવવામાં ભારે સંઘર્ષ કરવો પડશે.
દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલેએ કહ્યું કે, દેશમાં પરીક્ષા પ્રક્રિયા ભાંગી પડી છે અને લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયું છે. એનટીએમાં વ્યાક સ્તરે ગેરરીતિઓ થઈ રહી છે. એનટીએ દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષા યોજવા અસક્ષમ છે. રાજદના નેતા મનોજ ઝાએ કહ્યું કે, એનઈટી રદ થયા પછી નીટ પણ રદ કરી દેવી જોઈએ. આ પરીક્ષામાં ગેરરીતિના પર્યાપ્ત પુરાવા છે.