'ધમકાવવાનું બંધ કરો, દેશમાં ભયનો માહોલ...' સંભલ-મથુરા-બુલડોઝર એક્શન મુદ્દે યોગી સામે વિપક્ષ આક્રમક
UP CM Yogi Statements Controversy: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઇન્ટરવ્યુમાં સંભલ-મથુરા અને બુલડોઝર એક્શન પર નિવેદન આપતાં વિપક્ષે યોગી સરકાર પર હલ્લાબોલ કર્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને યોગી પર કોમી તણાવ પેદા કરવાનો આરોપ મૂક્યો છે.
સુમને CM યોગી પર આક્ષેપ કરતાં સલાહ આપી કે, ‘મથુરા અને કાશી જેવા મુદ્દા પર કાયદાને પોતાનું કામ કરવા દો. યોગી તણાવ પેદા કરશો નહીં. તેમના આ નિવેદનથી સમાજમાં તણાવ સર્જાઈ શકે છે.’
સપાએ પણ યોગી પર કર્યા પ્રહાર
સપાના સાંસદ રાજીવ રાયે યોગી પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘મુખ્યમંત્રી યોગી ધમકીભરી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કોર્ટના આદેશની રાહ જોવી જોઈએ. તે દેશ માટે યોગ્ય રહેશે. યોગી ધમકી આપવાનું બંધ કરે. તેઓ ભયનો માહોલ સર્જી રહ્યા છે. યોગી તો મઠના માણસ છે, તેમને આવી ભાષા શોભતી નથી.’
કોંગ્રેસે યોગી સરકારના કામ પર સવાલો ઉઠાવ્યા
કોંગ્રેસ સાંસદ રાજીવ રંજને મુખ્યમંત્રીના નિવેદન પર ટીકા કરી કે, ‘તેઓ જે બોલી રહ્યા છે, તેનાથી રોજગારી નથી મળતી. સંભલમાં આપણે સૌએ સ્થિતિ જોઈ છે. કાયદો અને વ્યવસ્થાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. યોગી બિચારા છે. મેનિફેસ્ટોમાં તેમણે કેટલું કામ કર્યું, તેના વિશે જણાવવું જોઈએ. કેવા કેવા નેતાઓ રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તે ખૂબ જ ક્ષોભજનક છે.’
2017 બાદ મુસ્લિમો પર સૌથી વધુ હુમલાઃ સપા
ઇન્ટરવ્યુમાં મુખ્યમંત્રી યોગીએ નિવેદન આપ્યું હતું કે,‘ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ સુરક્ષિત છે.’ આ નિવેદન પર સપાના પ્રવક્તા અમીક જમઈએ જણાવ્યું કે, ‘મુખ્યમંત્રીનું નિવેદન વાસ્તવિકતા સાથે મેળ ખાઈ રહ્યુ નથી. 2017 બાદ મુસ્લિમો પર સૌથી વધુ હુમલા થયા છે. કાયદો-વ્યવસ્થા ખોરવાઈ છે. પીડીએના અધિકારો પર હુમલા થયા છે. આઝમ ખાને બનાવેલી યુનિવર્સિટી પણ સુરક્ષિત નથી. મુસ્લિમોના બનાવટી એનકાઉન્ટર થઈ રહ્યા છે.’
CM યોગીએ શું કહ્યું
એક મીડિયા ઈન્ટરવ્યૂમાં CM યોગીએ મથુરા મસ્જિદ વિવાદ પર જણાવ્યું કે, ‘મથુરાની વાત કેમ ન કરું. શું મથુરા શ્રીકૃષ્ણની જન્મભૂમિ નથી. અમે કોર્ટના આદેશનું પાલન કર્યું છે. નહીં તો ત્યાં ઘણું બધું ઘટી ચૂક્યું હોત... સનાતન હિન્દુ ધર્મના તમામ મહત્ત્વપૂર્ણ સ્થાન આપણા વારસાનું પ્રતિક છે.’
સંભલમાં 54 તીર્થસ્થળોની ઓળખ
યોગીએ કહ્યું કે, ‘સંભલમાં 54 તીર્થ સ્થળોની ઓળખ કરવામાં આવી છે. જેટલા પણ હશે, તમામને શોધવામાં આવશે. વિશ્વને કહીશું કે, સંભલમાં આવીને જુઓ અહીં શું થયું હતું. સંભલ એક સત્ય છે. ઈસ્લામ કહે છે કે, જો તમે હિન્દુ મંદિર કે હિન્દુ ઘરને તોડીને ત્યાં કોઈ મસ્જિદ બનાવી છે, તો ખુદા ઇબાદતનો સ્વીકાર કરતા નથી.’
બુલડોઝર પણ બોલ્યા...
બુલડોઝર એક્શન પર મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, ‘જે ન્યાય અને કાયદો પોતાના હાથમાં લે છે, તેમને કાયદાનું ભાન કરાવવુ જરૂરી છે. જે જેવું સમજે છે, તેને તેની જ ભાષામાં સમજાવવા જોઈએ.’