લોકોનાં આરોગ્યની હત્યા રોકો, નહીં તો અમે ''બુલડોઝર'' ચલાવીશુ : સુપ્રીમ

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
લોકોનાં આરોગ્યની હત્યા રોકો, નહીં તો અમે ''બુલડોઝર'' ચલાવીશુ : સુપ્રીમ 1 - image


પ્રદૂષણ મુદ્દે કેન્દ્ર સહિત પાંચ રાજ્યનો ઉધડો લીધો

નવી દિલ્હી: દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્ર સરકારનો ઉધડો લીધો હતો. અને આકરી ટિપ્પણી કરતા કહ્યું હતું  દર વર્ષે દિલ્હીમાં આ સમયે પ્રદૂષણ વધી જાય છે. પ્રદૂષણ અટકાવવા સરકાર દ્વારા માત્ર કાગળ પર કામગીરી ચાલી રહી છે. જે નહીં ચલાવી લેવાય. આ સાથે જ સુપ્રીમ કોર્ટે રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અનંે પંજાબ સરકારને આદેશ આપ્યો છે કે તાત્કાલીક પરાળી સળગાવવાનું અટકાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે આક્રામક વલણ અપનાવતા કહ્યું હતું કે પ્રદૂષણ ફેલાવીને લોકોના સ્વાસ્થ્યની હત્યા કરવામાં આવી રહી છે.

દિલ્હી અને આસપાસના રાજ્યો પ્રદૂષણ માટે એકબીજા પર આક્ષેપો લગાવી રહ્યા છે જેની નોંધ લઇને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એસ. કે. કૌલ, ન્યાયાધીશ સુધાંશુ ધુલિયાની બેંચે કહ્યું હતું કે પ્રદૂષણ મામલે રાજકારણ બંધ કરો, અમને માફ કરજો પણ પરાળી સળગાવતી અટકાવવાના આદેશ આપવા સિવાય અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નથી, લોકોના સ્વાસ્થ્યની હત્યા થઇ રહી છે. એવામાં દરેક રાજ્યોએ સાથે મળીને આ મામલે કામ કરવાની જરૂર છે. લોકોને સ્વચ્છ હવામાં શ્વાસ લેવાનો અધિકાર છે અને આ સ્વચ્છ હવા પ્રદાન કરવી તે રાજ્ય સરકારોની જવાબદારી છે. 

જ્યારે દલિલો ચાલી રહી હતી ત્યારે પંજાબની આપ સરકારના વકીલે એવી દલીલ કરી હતી કે પંજાબમાં પરાળી સળગાવવાની ઘટનાઓમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. બાદમાં સુપ્રીમે કહ્યું કે આ ઘટનાઓ સંપૂર્ણપણે અટકવી જોઇએ. પરાળી સળગાવવા અને વાહનોને કારણે પ્રદૂષણ થાય છે. અહીંયા દરેક લોકો નિષ્ણાત બનીને ફરે છે પણ કોઇએ સમાધાન નથી લાવવું. આ મામલે રાજકારણ બંધ કરો. નાના બાળકો પણ હવે પ્રદૂષણનો ભોગ બનવા લાગ્યા છે. 

સુપ્રીમ કોર્ટે આ રાજ્યોના કેબિનેટ સચિવોને કહ્યું છે કે તેઓ બુધવારે પ્રદૂષણ અટકાવવા શું પગલા લઇ શકાય તેના પર ચર્ચા કરવા તાત્કાલીક બેઠક યોજે. રાજ્યોના ડીજીપી પણ પરાળી સળગાવાતી અટકાવવા યોગ્ય પગલા ભરે. શુક્રવારે આ મામલે સુપ્રીમ કોર્ટ ફરી સુનાવણી કરશે. મંગળવારે સુપ્રીમ કોર્ટે પંજાબ ઉપરાંત દિલ્હી સરકારને પણ ફટકાર લગાવી હતી, દિલ્હીમાં કેટલાક સ્મોગ ટાવર બંધ પડતા નારાજગી વ્યક્ત કરી હતી. અને આદેશ આપ્યો હતો કે આ સ્મોગ ટાવર તાત્કાલીક શરૂ કરવામાં આવે. સુપ્રીમે દિલ્હી સરકારની ઓડ-ઇવન યોજના પર પણ સવાલો ઉઠાવ્યા. 

અને સરકારને પૂછ્યું હતું કે તમે અગાઉ પણ એકીબેકી એટલે કે ઓડ-ઇવન યોજના લાવ્યા હતા તેનાથી શું ફરક પડયો? દિલ્હીમાં દિવાળી બાદ ૧૩થી ૨૦ નવેમ્બર સુધી આ યોજના લાગુ થવાની છે. એવામાં સુપ્રીમે કહ્યું હતું કે આ યોજના અમને માત્ર ઓપ્ટિક લાગી રહી છે. જો સરકારો મળીને કામ નહીં કરે તો અમારે બુલડોઝર ચલાવવું પડશે. ન્યાયાધીશ કૌલે સરકારોનો ઉધડો લેતા કહ્યું હતું કે જો હું બુલડોઝર ચલાવવાનું શરૂ કરીશ તો આગામી ૧૫ દિવસ સુધી નહીં અટકું, અમે ઇચ્છીએ છીએ કે દિવાળીની રજાઓ પહેલા દરેક રાજ્યો મળીને આ સમસ્યાનું સામાધાન લાવે. 

કેન્દ્ર સરકારને પણ સલાહ આપતા સુપ્રીમે કહ્યું હતું કે ખેડૂતો માત્ર ધાનની ખેતી કરી રહ્યા છે, તેમને અન્ય પાક તરફ વાળવાની જવાબદારી તમારી છે. કેન્દ્ર સરકારે પોતાના સ્તર પર પ્રદૂષણને અટકાવવા શું પગલા લીધા? કેન્દ્રએ જણાવ્યું હતું કે અમે આ સમસ્યાથી બહાર આવવા રાજ્યોને ત્રણ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા, બાદમાં જવાબમાં સુપ્રીમે કહ્યું કે આંકડાઓથી નહીં પણ જમીન સ્તર પર તમે શું કર્યું ? ધાનની ખેતીને છોડીને ખેડૂતો બાજરા તરફ વળે તે દિશામાં શું પગલા લેવામાં આવ્યા? તેનો પ્રચાર તો બહુ થઇ રહ્યો છે પણ સ્થાનિક સ્તર પર કઇ નથી થઇ રહ્યું.


Google NewsGoogle News