''ભારત જોડો ન્યાય યાત્રા'' દરમિયાન રાહુલની મોટર ઉપર પથ્થરબાજી થઈ
- પ.બંગાળમાં માલ્દા જિલ્લામાંથી રાહુલ ગાંધીની કાર પસાર થતી હતી ત્યારે પાછળનો કાચ ફોડી નખાયો પરંતુ રાહુલ ગાંધીને કોઈ ઈજા થઈ નથી
માલ્દા : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે તેઓની ''ભારત જોડો ન્યાય યાત્રા'' દરમિયાન બંગાળના માલ્દા જિલ્લામાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓની કાર ઉપર કેટલાક ન ઓળખાયેલા શખ્સોએ આજે (બુધવારે) પથ્થરમારો કર્યો હતો.
આ માહિતી આપતા પ.બંગાળ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ અધીર રંજન ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે એ પથ્થરમારાથી રાહુલજીની મોટરનો પાછળનો કાચ ફુટી ગયો હતો. જોકે તેઓ રાહુલજીને કોઈ ઈજા થઈ ન હતી.
આ પછી રાહુલ ગાંધી તેમના નિશ્ચિત સ્થળે પહોંચ્યા ત્યારે નીચે ઉતરી તે ફુટેલા કાચવાળી બારીને તપાસી જોઈ હતી.
વાસ્તવમાં રાહુલ ગાંધીની ''ભારત જોડો ન્યાય યાત્રા'' બિહારમાં પહોંચી ગઈ હતી પરંતુ યાત્રા વર્ગ પ્રમાણે તે પશ્ચિમ બંગાળના માલ્દા જિલ્લામાં પાછી પ્રવેશી ત્યાં જિલ્લાના હરિશ્ચંદ્રપુર ગામ નજીક આ ઘટના બની હતી.
આ ઘટના અંગે આક્રોશ ઠાલવતા અધીર-રંજન ચૌધરીએ કહ્યું હતું કે ''પથ્થરમારો થતા રાહુલ ગાંધીની મોટરનો પાછળનો કાચ ફુટી ગયો હતો. આ પરિસ્થિતિ જ અસહ્ય છે.''
આ ઘટના અંગે નીરિક્ષકો કહે છે કે લોકશાહી દેશમાં આ પ્રકારની હિંસક વૃત્તિ ચલાવી લેવાય જ નહીં, વાસ્તવમાં તે પથ્થર મારનારાઓએ એક વરિષ્ટ નેતાની કાર ઊપજ ઉપર જ હુમલો કર્યો. ભારતની લોકશાહીની ભાવના ઉપર હુમલો કર્યો છે.