છત્તીસગઢના મહાસમુન્દમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, 3 કોચના કાચ તોડ્યા, 5ની ધરપકડ
Image: Facebook
Vande Bharat Train Stones Pelted in Chhattisgarh: છત્તીસગઢના મહાસમુન્દમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. જ્યાં બાગબાહરા રેલવે સ્ટેશન પર વંદેભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો જેમાં ટ્રેનના ત્રણ કોચ C2-10, C4-1, C9-78ના કાચ તોડી નાખવામાં આવ્યા. માહિતી મળ્યા બાદ રેલવે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પાંચેય આરોપી બાગબાહરાના રહેવાસી છે. આરપીએફ પોલીસ રેલવે એક્ટ 1989 હેઠળ કેસ નોંધીને આરોપીઓને આજે જ રેલવે કોર્ટમાં રજૂ કરશે.
આરપીએફના અધિકારી પરવીન સિંહે જણાવ્યું કે, 'કાલે વંદે ભારત ટ્રેન જે 16 તારીખે દોડવાની છે, તેની ટ્રાયલ રન હતી. તે મહાસમુન્દથી સવારે 07:10 વાગે નીકળી. 9 વાગ્યાની આસપાસ બાગબાહરાની નજીક અમુક અસામાજિક તત્વોએ ચાલુ ટ્રેન પર પથ્થરમારો કરી દીધો. ટ્રેનમાં અમારી સપોર્ટિંગ ટીમ હથિયારની સાથે હતી. તેમણે માહિતી આપી. માહિતી મળ્યા બાદ તાત્કાલિક એક ટીમ ગઈ અને તેણે તપાસ કર્યાં બાદ પાંચ આરોપી પકડાઈ ગયા. પાંચ આરોપીઓના નામ શિવ કુમાર બઘેલ, દેવેન્દ્ર કુમાર, જીતુ પાંડે, સોનવાની અને અર્જુન યાદવ છે. આ પાંચેય બાગબાહરાના છે અને આ લોકો અસામાજિક તત્વો છે.'
એક આરોપી કાઉન્સિલરનો ભાઈ
આરપીએફ અધિકારીએ જણાવ્યુ, 'પૂછપરછમાં જાણવા મળ્યું છે કે શિવકુમાર બઘેલ નામનો જે આરોપી છે તેનો ભાઈ કાઉન્સિલર છે. રેલવે એક્ટની કલમ 153 હેઠળ તેમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. પથ્થરમારામાં ત્રણેય કોચના કાચના તૂટી ગયા છે.'