Get The App

કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા બાદ પોલીસ એક્શનમાં, 52ની ધરપકડ

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
Mandya Violence



Stone pelting on Religious procession at Karnataka: ગણેશોત્સવ દરમિયાન કેટલાક અસામાજિક તત્ત્વો દેશમાં કોમી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બુધવારે (11 સપ્ટેમ્બર) કર્ણાટકના માંડ્યા જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન ભક્તો પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી હતી. જે પછી શહેરમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની હતી. પોલીસે આ મામલે તાત્કાલિક પગલાં લઇ 52 લોકોની ધરપકડ કરી છે અને 150 વિરૂદ્ધ અશાંતિ ફેલાવવા બદલ ફરિયાદ દાખલ છે. આ ઉપરાંત કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરમાં 14 સપ્ટેમ્બર સુધી ચારથી વધુ લોકોના એકઠા થવા પર રોક લગાવવામાં આવી છે.

પથ્થરમારામાં બે પોલીસકર્મી ઘાયલ

પોલીસના જણાવ્યા મુજબ, પથ્થરમારાની ઘટનામાં બે પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે અને કેટલાક લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. પોલીસે સ્થિતિ નિંયત્રિત કરવા તાત્કાલિક પગલાં લીધા હતા અને ભીડને વિખેરવા માટે સામાન્ય બળપ્રયોગ કર્યો હતો. આરોપીઓ વિરૂદ્ધ બીએનએસ 2023, 109, 115(2), 118(1), 121(1), 132, 189(2), 189(3), 189(4), 190,191(1), 191 (2), 191(3), 324(4), 324(5), 326(એફ), 326(જી) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે અને હાલ સ્થિતિ સામાન્ય છે.

આ પણ વાંચોઃ VIDEO: કર્ણાટકનાં માંડ્યામાં ગણેશ વિસર્જન ટાણે સાંપ્રદાયિક હિંસા, ટોળાએ અનેક દુકાનો-વાહનોમાં લગાવી આગ

કડક કાર્યવાહી કરવા સીએમના નિર્દેશ

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, 'હિંસા એ તોફાનીઓની હરકત છે, જે સમાજની શાંતીને જોખમમાં નાખે છે. સરકારે માંડ્યામાં થયેલી હિંસાને ગંભીરતાથી લીધી છે. ધાર્મિક આધાર પર સમાજમાં વિભાજન કરવા પ્રયાસ કરનારા લોકો વિરૂદ્ધ અમારી સરકાર કડક કાર્યવાહી કરશે.'

શું છે સમગ્ર ઘટના?

જાણકારી મુજબ, આ ઘટના માંડ્યા જિલ્લાના નાગમંગલા વિસ્તારમાં બની હતી. કેટલાક યુવકો ગણેશ વિસર્જન માટે સરઘસ નીકાળી રહ્યા હતા, પરંતુ આ સરઘસ જ્યારે એક મસ્જિદ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક કેટલાક લોકોએ સરઘસ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો થયા બાદ પરિસ્થિતિ ધીમે-ધીમે વણસવા લાગી હતી અને બંને જૂથો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જે પછી તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી હતી. જો કે, પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. દરમિયાન, અન્ય જિલ્લાઓમાંથી પણ વધારાના દળોને બોલાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ શિમલા મસ્જિદ વિવાદમાં કોંગ્રેસમાં ઘમસાણ: સુખ્ખુ સરકારથી મોવડી મંડળ નારાજ

રાજકારણ ગરમાયું

કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર અશોકે આરોપ લગાવ્યો છે કે, ગણેશ વિસર્જન દરમિયાન સરઘસ પર હુમલો તુષ્ટિકરણના રાજકારણનું પરિણામ છે. ગણેશ વિસર્જન પર જાણ કરીને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા બાદ પોલીસ એક્શનમાં, 52ની ધરપકડ 2 - image


Google NewsGoogle News