Get The App

રાજસ્થાનમાં મીણાની ધરપકડના વિરોધમાં પથ્થરમારો : 60 સમર્થકો પણ ઝડપાયા

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
રાજસ્થાનમાં મીણાની ધરપકડના વિરોધમાં પથ્થરમારો : 60 સમર્થકો પણ ઝડપાયા 1 - image


- એસડીએમને થપ્પડ મારનારા કોંગ્રેસી બળવાખોર નરેશ મીણા જેલમાં

- મીણાના સમર્થકોએ પોલીસ વાહનો સહિત 80થી વધુ વાહનો આગને હવાલે કર્યા : ટોળાને વિખેરવા ટીયરગેસના શેલ છોડાયા

- એસડીએમ ભાજપ તરફી મતદાન કરાવતા હોવાનો અપક્ષ ઉમેદવાર મીણાનો આક્ષેપ

ટોંક : રાજસ્થાનના ટોંકમાં દેવલી-ઉનિયારામાં અપક્ષ ઉમેદવાર નરેશ મીણાની ધરપકડ પછી ભારે હોબાળો મચી ગયો હતો. દેવલી-ઉનિયારા વિધાનસભા બેઠક પર બુધવારે પેટા ચૂંટણીમાં કોંગ્રેસના બળવાખોર અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ એક મતદાન કેન્દ્ર બહાર એસડીએમને થપ્પડ માર્યા પછી શરૂ થયેલો તણાવ ગુરુવારે હિંસામાં ફેરવાઈ ગયો હતો. નરેશ મીણાની ધરપકડથી સમર્થકોએ પથ્થરમારો કર્યો હતો. હિંસા રોકવા અને ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયરગેસના શેલ છોડયા હતા.

પોલીસે નરેશ મીણાની ધરપકડ કરતાં ઉશ્કેરાયેલા તેમના સમર્થકોએ સમરાવતા ગામમાં હાઈવે પર ટ્રાફિક જામ કરી દીધો અને આગ લગાવી પોલીસ અને પત્રકારો પર પથ્થરમારો કર્યો હતો. તોફાની તત્વોએ પોલીસ પર પથ્થમારો કર્યો તથા ટોંકથી સવાઈ માધોપુર જતા નેશનલ હાઈવે-૧૧૬ ઉપર અલીગઢ કસ્બા નજીક ટ્રાફિક જામ કરી દીધો હતો.

કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર નરેશ મીણાએ સેંકડો લોકો સામે એક મતદાન કેન્દ્ર બહાર માલપુરાના એસડીએમ અમિત ચૌધરીને થપ્પડ મારી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાથી મતદાન કેન્દ્ર બહાર શરૂ થયેલો તણાવ ગુરુવારે સવારે હિંસામાં બદલાઈ ગયો હતો.

રાજ્યની સરકારી ઓફિસોમાં સવારથી જ કામ પર અસર પડી હતી. આરએએસ એસોસિએશન અને સંલગ્ન સેવાઓના અધિકારીઓ નરેશ મીણાની ધરપકડની માગ કરતા હડતાળ પર ઉતરી ગયા હતા. 

નરેશ મીણા દ્વારા એસડીએમને થપ્પડ માર્યા પછી સમરાવતા ગામ બહાર બુધવારે તેમના સમર્થકો ધરણાં પર ઉતરી ગયા હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કરતાં મીણાના સમર્થકોએ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસ વાહનો સહિત અંદાજે ૬૦ ટુ-વ્હિલર અને ૧૮ ફોર-વ્હિલર વાહનો આગને હવાલે કરી દીધા હતા. આ હિંસા પછી ગુરુવારે વહેલી સવારે ૬૦ લોકોની ધરપકડ કરાઈ હતી. આ સમયે ટોળાએ પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો.

નરેશ મીણાએ ધરપકડ પછી એસડીએમ પર ભાજપ તરફી વોટિંગ કરાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ એસડીએમ ભાજપ ઉમેદવારને જીતાડવા માટે તેમના તરફી મતદાન કરાવી રહ્યા હતા. બીજીબાજુ પોલીસે કહ્યું કે કોંગ્રેસના બળવાખોર નેતા નરેશ મીણા વિરુદ્ધ અગાઉથી ૨૩ કેસ નોંધાયેલા છે, જેમાં કેટલાક કેસોમાં કાર્યવાહી હજુ બાકી છે. સરકાર હવે આ બધા કેસો પર કામ શરૂ કરશે.


Google NewsGoogle News