ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી પર પથ્થરમારો, માથામાં ઈજા, કારના કાચ પણ તૂટ્યા
Attack on Anil Deshmukh : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20મી નવેમ્બરે મતદાન થવાનું છે. આ દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની કાર પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. પથ્થરમારાની ઘટનામાં અનિલ દેશમુખના માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ ઉપરાંત, કારના કાચ પણ તૂટી ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીના પર હુમલો
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે અંતિમ દિવસ હતો. મહા વિકાસ અઘાડીના ઉમેદવાર સલિલ દેશમુખ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં છે, ત્યારે ચૂંટણીના પ્રચાર માટે નરખેડમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પોતાના પુત્ર સલિલ દેશમુખના ચૂંટણી પ્રચારમાં પહોંચ્યાં હતા. આ પછી નરખેડથી પરત જતી વખતે કટોલ-જલાલખેડા રોડ પર તેમની કાર પર હુમલો થયો હતો.
સમગ્ર ઘટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે, અનિલ દેશમુખના માથાના ભાગે ભારે ઈજા પહોંચતા લોહી નીકળી રહ્યું છે અને કેટલાક લોકો તેમને લઈને જઈ રહ્યાં છે. જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20મી નવેમ્બરે મતદાન થવાનું છે. જેમાં રાજ્યની 288 વિધાનસભા બેઠકો પર મતદાન બાદ 23 નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.
અનિલ દેશમુખ મહારાષ્ટ્રના ગૃહમંત્રી રહી ચૂક્યા છે. તેમણે એપ્રિલ 2021માં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી, એક કેસમાં તેમની નવેમ્બર 2021માં ધરપકડ કરવામાં આવી હતી અને જામીન મળ્યા બાદ ડિસેમ્બર 2022 માં છોડી દેવામાં આવ્યા હતા. એક કાર્યક્રમ દરમિયાન અનિલ દેશમુખે કહ્યું હતું કે, તેમણે જેલવાસ દરમિયાન એક પુસ્તક પણ લખ્યું છે, જે ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે. અનિલ દેશમુખના પુસ્તકનું નામ છે 'ડાયરી ઑફ હોમ મિનિસ્ટર'.