સ્ટીવ જોબ્સના પત્નીને કાશીમાં શિવલિંગને સ્પર્શ કરવાની અનુમતિ કેમ ન અપાઈ, ગંગામાં લગાવશે ડૂબકી
MahaKumbh Melo 2025: મહાકુંભ મેળાની મુલાકાતે આવેલા એપલ કંપનીના કો-ફાઉન્ડર સ્ટેડ જોબ્સના પત્ની લોરેન પોવેલ જોબ્સ શનિવારે બાબા વિશ્વનાથના દર્શન કર્યા હતાં. કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા પછી લોરેન પોવેલ જોબ્સ હવે પ્રયાગરાજ જઈ ગંગામાં ડૂબકી લગાવશે અને મહાકુંભમાં હાજરી આપશે. લોરેન પોવેલ જોબ્સની કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત ચર્ચામાં આવી છે. કારણકે, આ મંદિરમાં તેમને શિવલિંગને સ્પર્શ કરતાં અટકાવવામાં આવ્યા હતા.
જ્યારે લોરેન કાશી વિશ્વનાથ મંદિરની અંદર હતી ત્યારે તેમને ત્યાં શિવલિંગને સ્પર્શ કરવાથી રોકી દેવામાં આવ્યા હતાં.
કૈલાશ નંદ ગિરી મહારાજે આપી સ્પષ્ટતા
નિરંજની અખાડાના આચાર્ય કૈલાશ નંદગીરી મહારાજે જણાવ્યું કે, ‘સ્ટીવ જોબ્સની પત્નીએ અમારી સાથે કાશી વિશ્વનાથમાં મહાદેવના દર્શન કર્યા હતા. તેમને નિયમો અનુસાર શિવલિંગને સ્પર્શ કરવાની મંજૂરી આપવામાં આવી નથી કારણ કે ભારતીય પરંપરા અનુસાર હિન્દુ ધર્મ સિવાય અન્ય કોઈને શિવલિંગને સ્પર્શ કરવાની મંજૂરી નથી. તેમણે બહારથી જ દર્શન કર્યા હતાં. આપણી પરંપરા સર્વોપરી છે. આપણી પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી આચાર્ય અને શંકરાચાર્યની છે. તે અમારી સાથે આવી, તે અમારી દીકરી છે. તેણીએ આવીને મહાદેવ સમક્ષ માથું નમાવ્યું. તે અમારી પરંપરાને સમજે છે. તે કુંભમાં પણ હાજર રહેશે.
લોરેનનું નામ કમલા કરવામાં આવ્યું
આચાર્ય કૈલાશ નંદગીરી મહારાજે કહ્યું કે ‘હું માનું છું કે તેઓ અહીં અંગત કાર્યક્રમ માટે આવ્યા છે. તે અમારી દીકરી જેવી છે કારણ કે શિષ્ય દીકરી છે. અમે તેમનું નામ કમલા રાખ્યું છે. અમે તેમને અમારું ગોત્ર આપ્યું છે. તે બીજી વખત અહીં આવી છે. તે તેના કેમ્પમાં પણ થોડા દિવસ રોકાશે. તે ગુરુજીને પ્રશ્નો પણ પૂછશે. આ પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. નિરંજની અખાડા તેમને મહામંડલેશ્વર બનાવી રહ્યા છે. મને લાગે છે કે આપણી પરંપરા આખી દુનિયામાં ફેલાઈ જવી જોઈએ. પણ પરંપરા ભૌતિકવાદી હોય, વૈચારિક હોય, વૈચારિક હોય કે આધ્યાત્મિક હોય, તેમાં કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ.