સ્ટિવ જોબ્સના પત્ની લૉરેન કુંભમાં કરશે કલ્પવાસ, સ્વામી કૈલાશાનંદે આપ્યું પોતાનું ગોત્ર અને નામ આપ્યું ‘કમલા’
Prayagraj Mahakumbh 2025 : ઉત્તર પ્રદેશની સાંસ્કૃતિક નગરી પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી ‘મહાકુંભ-2025’ શરૂ થવાનો છે. લગભગ 44 દિવસ સુધી યોજાનારા આ કુંભમાં અનેક સાધુ-સંતો અને મહંતો પહોંચી રહ્યા છે, તો અનેક બોલિવૂડની હસ્તી પણ ત્યાં પહોંચવાની તૈયારીઓ કરી રહ્યા છે. આ સાથે એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે, એપલના સહ-સંસ્થાપક દિવંગત સ્ટિવ જોબ્સ (Steve Jobs)ના પત્ની લૉરેન પૉવેલ જોબ્સ (Laurene Powell Jobs) પ્રયાગરાજના કુંભમેળામાં આવવાના છે અને તેઓ અહીં કલ્પવાસ કરવાના છે.
લૉરેન સાધુઓની જેમ સાદગીપૂર્ણ જીવન પણ જીવશે
મીડિયા રિપોર્ટ મુજબ અબજોપતિ બિઝનેસમેન લૉરેન કુંભમેળામાં કલ્પવાસ કરશે અને સાધુઓની જેમ સાદગીપૂર્ણ જીવન પણ જીવશે. મહત્ત્વની વાત એ છે કે, દિવંગત સ્વટિવના પત્ની લૉરેન હિન્દુ અને બૌદ્ધ ધર્મને પણ માને છે અને તેઓ આવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેતા રહે છે. સૌથી મોટી વાત છે છે કે, લૉરેનનું એક હિન્દુ નામ પણ છે.
સ્વામી કૈલાશાનંદજી મહારાજે આપી માહિતી
આધ્યાત્મિક ગુરુ સ્વામી કૈલાશાનંદજી મહારાજે લૉરેન અંગે મીડિયા સમક્ષ કહ્યું કે, એપલના સહ-સંસ્થાપક દિવંગત સ્ટિવ જોબ્સના પત્ની લૉરેન પૉવેલ જૉબ્સ પ્રયાગરાજના કુંભમેળા-2025માં ભાગ લેવાના છે. તેઓ અહીં તેમના ગુરુને મળવા આવી રહ્યા છે. અમે તેમને પોતાનું ગોત્ર પણ આપ્યું છે અને તેમનું નામ ‘કમલા’ રાખવામાં આવ્યું છે. તેઓ અમારી પુત્રી સમાન છે. તેઓ બીજી વખત ભારતમાં આવી રહ્યા છે. મહાકુંભમાં સૌકોઈનું સ્વાગત છે.