પેટીએમ યુઝર્સ ચેતજો, આરબીઆઈ બાદ હવે CAITની ચેતવણી, લેવડ-દેવડ બંધ કરવા કહ્યું
પેટીએમ યુઝર્સ 29મી ફેબ્રુઆરી પછી વોલેટમાં પૈસા રાખી શકશે નહીં.
Paytm Payments Bank Banned: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)દ્વારા પેટીએમ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને લઈ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (CAIT) દેશભરના વેપારીઓ માટે ચેતવણી જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 'પેટીએમ યુઝર્સ તેના પૈસાની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને અન્ય પેમેન્ટ એપ પર ટ્રાન્સફર કરવા જોઈએ.'
સીએઆઈટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, 'મોટી સંખ્યામાં નાના વેપારીઓ અને ફેરિયાઓ પેટીએમ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી રહ્યાં છે. આરબીઆઈના પ્રતિબંધને કારણે આ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.'
પેટીએમ પર મની લોન્ડરિંગની શંકા
પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લાદવાનું મુખ્ય કારણ ઓળખ વગર બનાવેલા કરોડો ખાતા. આ ખાતાઓની કેવાયસી (ગ્રાહકોની ઓળખ) પ્રક્રિયા પૂર્ણ થઈ ન હતી. ઓળખ વગર કરોડો રૂપિયાના વ્યવહારો થયા હતા.જેથી મની લોન્ડરિંગની શંકા ઊભી થઈ હતી. અહેવાલો અનુસાર, પેટીએમ પેમેન્ટ બેંક હેઠળ એક હજારથી વધુ યુઝર્સના ખાતા માત્ર પાન કાર્ડ સાથે જોડાયેલા હતા.
સીએઆઈટીએ વેપારીઓને ચેતવણી આપતા કહ્યું કે, 'પેટીએમમાંથી તેમના પૈસા ઉપાડી લે અને યુપીઆઈ દ્વારા લેવડ-દેવડ કરવામાં આવે. દેશના કાયદાનું ઉલ્લંઘન કરનારી આવી કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.'