સંસદ ભવનમાં પ્રતિમાઓના શિફ્ટિંગ મામલે સરકાર-વિપક્ષ આમને-સામને, જાણો શું છે સમગ્ર મામલો
| ||
Statues Relocation Within Parliament: સંસદ ભવનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની મૂર્તિઓ ખસેડવાના મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષે આરોપ મૂક્યો છે કે, સરકારે જાણીજોઈને પ્રતિમાઓને કિનારે ખસેડી છે. જેથી વિપક્ષ સંસદ સમયાંતરે પ્રતિમાઓની સામે ઉભા રહી વિરોધ પ્રદર્શન કરી શકે નહીં. જો કે, આ આક્ષેપ પર જવાબ આપતાં લોકસભા સ્પીકરે જણાવ્યું છે કે, પ્રતિમાઓને દૂર કરવામાં આવી નથી, પરંતુ તેને શિફ્ટ કરવામાં આવી છે. જેથી એક જ સ્થળે તમામ પ્રતિમાઓ હોવાથી લોકોને આ મહાન વ્યક્તિત્વ વિશે જાણવામાં સરળતા રહેશે.
શા માટે વિપક્ષ કરી રહ્યો છે વિરોધ?
વાસ્તવમાં, અગાઉ મહાત્મા ગાંધી અને ડૉ. આંબેડકરની પ્રતિમાઓ સંસદ ભવનના મધ્ય સ્થાન પર હતી. અહીં વિપક્ષના નેતાઓ સરકાર સામે વિરોધ કરવા માટે એકઠા થતા હતા. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો કે પ્રતિમાઓ ખસેડવાનું મુખ્ય કારણ એ સુનિશ્ચિત કરવાનું છે કે મહાત્મા ગાંધી અને ડૉ. આંબેડકરની પ્રતિમાઓ સંસદ ભવનની સામે કોઈ મહત્વની જગ્યાએ ન હોય. જેથી સાંસદો જ્યારે જરૂર પડે ત્યારે શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક વિરોધ પ્રદર્શન કરી શકે નહીં.
પ્રતિમાઓ ખસેડવા પાછળનું કારણ
સ્પીકર ઓમ બિરલાના જણાવ્યા અનુસાર, 'તમામ પ્રતિમાઓને પ્રેરણા સ્થળમાં ખસેડવામાં આવી છે, જે જૂના સંસદ ભવન અને સંસદ લાઇબ્રેરી બિલ્ડિંગની વચ્ચેના લૉનમાં સ્થિત છે. તે આખા વર્ષ દરમિયાન મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. જેથી મુલાકાતીઓને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન વિશે સરળતાથી જાણકારી મળી શકશે. નવી ટેકનોલોજી દ્વારા મહાન દિગ્ગજોની જીવનકથાઓ અને સંદેશાઓ મુલાકાતીઓ સુધી પહોંચાડવાની યોજના બનાવવામાં આવી છે. બાબાસાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી, મહાત્મા જ્યોતિબા ફૂલે, છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, હેમુ કાલાણી, મહાત્મા બસવેશ્વર, કિત્તુર રાણી ચન્નમ્મા, મોતીલાલ નેહરુ, મહારાજ રણજીત સિંહ, દુર્ગા મોલ, બિરસા મુંડા, રાજર્ષિ છત્રપતિ શાહુ મહારાજે અને ચૌધરી દેવીલાલ જેવા મહાપુરૂષોની પ્રતિમાઓ છે.
કયા ફેરફારો કરવામાં આવ્યા?
સ્પીકર ઓમ બિરલાના જણાવ્યા અનુસાર, 'નવી સંસદ ભવનનાં નિર્માણ કાર્ય દરમિયાન મહાત્મા ગાંધી, મોતીલાલ નેહરુ અને ચૌધરી દેવીલાલની મૂર્તિઓને સંકુલની અંદર અન્ય સ્થળોએ ખસેડવામાં આવી હતી. પ્રેરણા સ્થળ ખાતે પ્રતિમાઓની આસપાસ લૉન અને બગીચા બનાવવામાં આવ્યા છે, જેથી મુલાકાતીઓ સરળતાથી તેમને શ્રદ્ધાંજલિ આપી શકે અને QR કોડનો ઉપયોગ કરીને માહિતી મેળવીને તેમના જીવનમાંથી પ્રેરણા લઈ શકે.
પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે રવિવારે (16 જૂન) ઓમ બિરલા, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, કેન્દ્રીય મંત્રીઓ કિરેન રિજિજુ, અશ્વિની વૈષ્ણવ, અર્જુન રામ મેઘવાલ અને એલ મુરુગનની હાજરીમાં પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમારોહમાં લોકસભાના સભ્ય જગદંબિકા પાલ અને રાજ્યસભાના સભ્ય રાકેશ સિંહા પણ હાજર હતા.