કેન્દ્ર સરકારને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે દારૂ અંગે 34 વર્ષ જૂનો આદેશ પલટ્યો, જાણો શું છે મામલો
Supreme Court On Industrial Alcohol: દારૂ અંગે સુપ્રીમ કોર્ટે તેનો 34 વર્ષ જૂનો ચુકાદો પલટી નાખ્યો છે. આ આદેશ કેન્દ્ર સરકાર માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટે 8:1 ની બહુમતી સાથે 34 વર્ષ જૂના ચુકાદાને બદલી નાખતાં આદેશ આપ્યો છે કે, રાજ્ય સરકાર પાસે જ ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલના નિર્માણ, ઉત્પાદન અને સપ્લાય પર નિયામક અધિકારો છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળ નવ જજની બેન્ચે સમર્થન આપ્યું છે કે, રાજ્યો આ પ્રકારના આલ્કોહોલમાંથી મોટાપાયે આવક મેળવી રહી છે. તેઓ જ ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ સહિત તમામ પ્રકારના દારૂ અને તેના રો મટિરિયલ પર ટેક્સ કંટ્રોલ અને અન્ય નિયંત્રણો લાદવાનો હક છે. માત્ર અમુક ચોક્કસ ઈન્ડસ્ટ્રી પર જ કેન્દ્ર હક દર્શાવી શકશે.
ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ બિનઝેરી દારૂ
સુપ્રીમ કોર્ટના આદેશમાં ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલને બંધારણની 11મી યાદીની 8મી એન્ટ્રી અંતર્ગત બિનઝેરી દારૂની કેટેગરીમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. જેથી તેના ઉત્પાદન, ટેક્સ અને નિયંત્રણોનો અધિકાર રાજ્યોને આપવા મંજૂરી અપાઈ છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, રાજ્યો પાસેથી ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પર કાયદો ઘડવાની સત્તા છીનવી શકાય નહીં.
નવ જજોની બેન્ચમાંથી એક જસ્ટિસ બીવી નાગરત્નાએ આ મામલે અસહમતિ દર્શાવી હતી કે, સંસદને ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલનું નિયમન કરવાની સત્તા આપવામાં આવે, જ્યારે રાજ્યોને ઝેરી દારૂ અને પોટેબલ આલ્કોહોલ પર નિયંત્રણો આપવા જોઈએ.
34 વર્ષ પહેલાં સાત જજોની બંધારણીય બેન્ચે આ કેસમાં ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલના ઉત્પાદન અને નિયમનની સત્તા કેન્દ્રને સોંપવા સહમતી દર્શાવી હતી. આ ચુકાદાને બદલી દેતાં કોર્ટની નવી બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે, ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પીવા માટે વપરાતો નથી. તેથી તેને બંધારણ મુજબ બિનઝેરી દારૂ કેટેગરીમાં વર્ગીકૃત કરવો જોઈએ.