'પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે', જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાનું મોટું નિવેદન
J&K LG Manoj Sinha Statement : જમ્મુ કાશ્મીરના પહલગામમાં ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ ગુસ્સામાં અને શોકમાં છે. હુમલાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા જવાબી કાર્યવાહીની તૈયારીઓ કરાઈ રહી છે. જ્યારે આજે બુધવારે (23 એપ્રિલ) પહલગામ હુમલાને લઈને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
'પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે'
આતંકી હુમલાને લઈને આજે બુધવારે સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠકમાં આપેલા નિર્દેશોનું તાત્કાલિક પાલન કરાશે. બેઠકમાં મનોજ સિન્હાએ કહ્યું કે, 'પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે.'
વડાપ્રધાન આવાસ પર CCSની બેઠક
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને વડાપ્રધાન આવાસ પર સુરક્ષા મામલાઓની કેબિનેટ કમિટી (CCS)ની બેઠક શરૂ થઈ છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી એસ.જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ હાજર છે. બેઠકમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે.
આતંકી હુમલામાં 28 લોકોના મોત
જમ્મુ-કાશ્મીરમાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પર આતંકવાદીઓએ ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) મોટો હુમલો કર્યો હતો. પાંચ આતંકવાદીઓ ત્યાંના રિસોર્ટમાં ઘૂસી ગયા અને એક પછી એક પ્રવાસીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ અને ધર્મ પૂછ્યા પછી તેમને ગોળી ધરબી દીધી. આતંકવાદીઓએ લગભગ 20થી 25 મિનિટ સુધી આ ખૂની ખેલ ખેલ્યો અને પછી જંગલ તરફ નાસી છૂટ્યા. આ હુમલામાં 28 લોકોના મોત થયા. પહલગામમાં થયેલા આ ભયાનક નરસંહાર બાદ લોકોમાં ભયનો માહોલ છે.