SC-ST અનામતમાં પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે ક્રિમીલેયર લાગુ થાય, તો કોને લાભ?
Supreme Court judgement on SC-ST : ક્વોટાની અંદર ક્રીમી લેયરના આધારે સબ-ક્વોટા નક્કી કરવાનો મુદ્દો લાંબા સમયથી ભારતમાં ઉઠાવવામાં આવી રહ્યો છે. પંજાબ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં ક્રીમી લેયરના આધારે ક્વોટાની અંદર ક્વોટા આપવાનો નિર્ણય લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં કાયદાકીય પડકાર સર્જાયા છે. ત્યારે SC-ST અનામતમાં પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે ક્રિમીલેયર લાગુ થાય તો કોને લાભ ?
શું છે મુદ્દો?
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે ભારતના બંધારણમાં 15 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. ઘણા રાજ્યોએ આ ક્વોટામાં સબ-ક્વોટા ઉમેર્યા હતા, જેનો વિરોધ કરતાં લોકો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા હતા. પંજાબ અને તમિલનાડુ જેવા રાજ્યોની સુનાવણી દરમિયાન કોર્ટે ક્વોટાની અંદર ક્વોટા આપવાના રાજ્યોના નિર્ણયને યોગ્ય ગણાવ્યા હતા. એ જ સંબંધે સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચુકાદો આપ્યો હતો.
આ પણ વાંચો : ‘તાત્કાલિક લેબનોન છોડી દો’, ભારતીય દૂતાવાસની એડવાઈઝરી જાહેર, જાણો શું છે મામલો
શું ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે?
ક્વોટાની અંદર ક્વોટા કેસમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચે 6:1ની બહુમતીથી ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે, ‘દેશની પછાત જાતિઓ માટે બંધારણમાં 15 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે, પણ પછાત જાતિઓમાં પણ એકરૂપતા નથી. એક જાતિની સરખામણીમાં બીજી જાતિએ વધુ ભેદભાવ અને સમસ્યાઓનો સામનો કરવો પડે એવી સ્થિતિ છે. તેથી પછાત જાતિઓમાં પણ સવિશેષ હાંસિયામાં ધકેલાઈ ગયેલી જાતિઓને અલગ ક્વોટા આપવાની જરૂર છે, અને એ માટે જાતિઓનું પેટા વર્ગીકરણ કરવું વાજબી છે. રાજ્ય સરકારો વેઇટેજ અનુસાર સબ-ક્વોટા નક્કી કરી શકે છે. એનાથી ઘણી એવી જ્ઞાતિઓને લાભ થશે જેઓ ક્વોટાનો લાભ મેળવી શકી નથી.’
ડી.વાય. ચંદ્રચુડ, બી.આર. ગવઈ, વિક્રમ નાથ, પંકજ મિથલ, મનોજ મિશ્રા અને સતીશ ચંદ્ર શર્માએ તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. માત્ર જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીએ જ અસંમતિ દર્શાવી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે વર્ષ 2004માં ઈ.વી. ચિન્નૈયા કેસમાં અપાયેલા નિર્ણયને ઉલટાવી દીધો હતો. હાલના જજો સામે 23 અરજીઓ આવી હતી, જેમાંની મુખ્ય અરજી પંજાબ સરકાર દ્વારા દાખલ કરવામાં આવી હતી. એમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા 2010માં આપવામાં આવેલા એક ચુકાદાને પડકારવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે એસસી, એસટીમાં પેટા-વર્ગીકરણ કરતી વખતે રાજ્યોને પછાતપણાની હદ નક્કી કરવાની સત્તા હશે, પણ એ બાબતે એમણે એમના નિર્ણયને યોગ્ય ઠેરવવો પડશે.
કોર્ટે એમ પણ કહ્યું કે આ તમામ ક્વોટા માત્ર જમીનના સર્વેના આધારે જ આપવામાં આવે. સૌપ્રથમ એ શોધવું પડશે કે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવામાં દરેક જાતિનું કેટલું પ્રતિનિધિત્વ છે.
જસ્ટિસ બી.આર. ગવઈએ કહ્યું હતું કે, પછાત જાતિઓમાં ક્રીમી લેયરની વ્યવસ્થા હોવી જોઈએ અને જે લોકોને એનાથી ફાયદો થયો છે તેમને અલગ કરીને વંચિતોને અનામતની તક આપવી જોઈએ.
શું ચુકાદો અપાયેલો ચિન્નૈયા કેસમાં?
2004માં ઇ.વી. ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશ સરકાર સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે ચુકાદો આપતા કહ્યું હતું કે, ‘બંધારણની કલમ 341 અનુસાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સૂચિમાં જાતિઓને દૂર કરવાનો અને ઉમેરવાનો અધિકાર ફક્ત રાષ્ટ્રપતિને જ છે. બંધારણ તમામ અનુસૂચિત જાતિઓને અને જનજાતિઓને એકસમાન ગણે છે. જો તમામ અનુસૂચિત જાતિઓને એક જૂથ ગણવામાં આવતી હોય તો એમાં પેટા વર્ગો ન પાડી શકાય.’
કઈ જાતિઓને થશે લાભ?
સુપ્રીમ કોર્ટના આ તાજા નિર્ણયથી વિવિધ રાજ્યોમાં જેમનું પ્રતિનિધિત્વ પ્રમાણમાં ઓછું છે એવી પછાત જાતિઓને ફાયદો થશે. ઉદાહરણ તરીકે, ઉત્તર પ્રદેશમાં ‘જાટવ’ સમુદાય તથા બિહારમાં ‘પાસવાન’ સમુદાયની તુલનાત્મક સ્થિતિ પછાત સમાજના અન્ય સમુદાયો કરતાં વધુ સારી છે. તેથી પેટા ક્વોટાનો ચુકાદો મુસહર, વાલ્મિકી, ધોબી જેવા અતિ-પછાત સમુદાયો માટે ફાયદાકારક બનશે. એ જ પ્રમાણે અન્ય રાજ્યોની અતિ-પછાત જાતિઓને પણ આ ચુકાદાથી લાભ થશે.