સ્ટેટ બેંકે ઇલેકટોરલ બોન્ડસનો ડેટા ચુંટણી પંચને સોંપ્યો, રાજકીય ભૂકંપના એંધાણ
ઇલેકટોરલ બોન્ડની વિગત ૧૫ માર્ચ સુધીમાં ચુંટણી પંચની વેબસાઇટ પર મુકશે
કયા રાજકિય પક્ષને કેટલા. કયારે અને કોના દ્વારા મળ્યા છે તે બહાર આવશે.
નવી દિલ્હી,૧૨ માર્ચ,૨૦૨૪,મંગળવાર
સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર ૧૨ માર્ચના રોજ કામકાજનો સમય પુરો થાય તે પહેલા એસબીઆઇએ ઇલેકટોરલ બોન્ડની માહિતી ચુંટણી પંચને આપી છે. ૧૧ ફેબુ્આરીના રોજ સુપ્રિમ કોર્ટે ભારતીય સ્ટેટ બેંકને ૨૪ કલાકમાં ઇલેકટોરલ બોન્ડસનો ડેટા ચુંટણી પંચને સોંપવાનો આદેશ આપ્યો હતો. બહુચર્ચિત ઇલેકટોરલ બોન્ડની માહિતી આપવા માટે સ્ટેટ બેંક સુપ્રિમ કોર્ટ પાસે વધુ સમય માંગ્યો હતો પરંતુ આ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર એસબીઆઇએ સાંજે ૫.૩૦ વાગે ચુંટણી પંચને માહિતી મોકલાવી હતી. ઉપરાંત સીજેઆઇ ડી વાઇ ચંદ્રચુડની આગેવાની હેઠળ પાંચ ન્યાયાધિશોની સંવિધાન પીઠે એસબીઆઇએ આપેલી ઇલેકટોરલ બોન્ડની વિગત ૧૫ માર્ચ સુધીમાં ચુંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરવાનો પણ આદેશ આપેલો છે.
સુપ્રિમકોર્ટની સુનાવણીમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર ગવઇ, જસ્ટિસ જે.બી પારડીવાળા અને જસ્ટિસ ન્યાયમૂર્તિ પણ સામેલ હતા. ચીફ જસ્ટિસના નેતૃત્વમાં બંધારણીય બેંચે એસબીઆઇને ચેતવણી આપી હતી કે જો બેંક આપેલા આદેશનું સમય મર્યાદામાં પાલન કરવામાં નિષ્ફળ રહેશે તો ૧૫ ફેબુ્આરીના રોજ અદાલતે આપેલા ચુકાદાની અવગણના કરવાની કાર્યવાહી કરશે.
બંધારણીય બેંચે ઇલેકટરોલ બોન્ડને ગેર બંધારણીય ગણીને નાણા આપનારાના નામ, રકમ અને લેનારાના નામ ૧૩ માર્ચ સુધીમાં ખુલાસો કરવાનો આદેશ આપ્યો હતો. ઇલેકટોરલ બોન્ડ યોજના બંધ કરીને ૧૨ એપ્રિલ ૨૦૧૯ થી અત્યાર સુધીમાં ખરીદાયેલા બોન્ડની વિગતો બહાર પડવાથી રાજકીય ભુકંપ આવવાની શકયતા છે. ૨૨૨૧૭ ઇલેકટોરલ બોન્ડ અંર્તગત કુલ ૧૬૦૦૦ કરોડની ફાળવણી થઇ છે. આ નાણા કયા રાજકિય પક્ષને કેટલા. કયારે,કોને અને કોના દ્વારા મળ્યા છે તે બહાર આવશે.
ઇલેકટોરલ બોન્ડ શું છે ?
ભારત સરકારે રાજકીય પક્ષો માટે ઇલેકટોરલ બોન્ડની જાહેરાત ૨૦૧૭માં કરી હતી. આ યોજના સરકારે ૨૯ જાન્યુઆરી ૨૦૨૮માં કાયદેસર રીતે લાગુ પાડી હતી. ઇલેકટોરલ બોન્ડ એ રાજકીય પક્ષોને નાણા આપવા માટેનો એક આર્થિક રસ્તો છે. આ એક વચનપત્ર જેવું છે કે જેમાં ભારતનો કોઇ પણ નાગરિક કે કંપની ભારતીય સ્ટેટ બેંકની કેટલીક બ્રાંચમાંથી ખરીદી શકે છે. પોતે જે ઇચ્છે તે રાજકિય પક્ષને ખાનગી રીતે નાણા આપી શકે છે. ઇલેકટોરોલ બોન્ડ કેવાયસી એકાઉન્ટ ધરાવતી કોઇ પણ વ્યકિત ખરીદી શકે છેે. ઇલેકટોરોલ બોન્ડમાં જેને આપવામાં આવે છે તેનું નામ હોતું નથી.
યોજના હેઠળ ભારતીય સ્ટેટ બેંકમાંથી ૧૦૦૦,૧૦૦૦૦, એક લાખ, દસ લાખ અને એક કરોડ રુપિયાના બોન્ડ ખરીદી શકે તેવી જોગવાઇ હતી. ઇલેકટોરોલ બોન્ડની સમય મર્યાદા માત્ર ૧૫ દિવસની હોય છે. આનો ઉપયોગ જન પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ રજીસ્ટર રાજકીય પક્ષોને દાન આપવામાં કરી શકાય છે. જે રાજકીય પક્ષને વિધાનસભા કે લોકસભામાં ગત સામાન્ય ચુંટણીમાં થયેલા કુલ મતદાનના ૧ ટકો મ મળ્યા હોય તેને ઇલેકટોરોલ બોન્ડથી નાણા મળે છે. જો કે સુપ્રિમ કોર્ટે ગત ફેબુ્રઆરી મહિનામાં આપેલા એક ચુકાદામાં આ સમગ્ર પ્રક્રિયાને ગેર બંધારણીય ગણીને પ્રતિબંધ ફરમાવ્યો છે.