ATM થી કમાણી મામલે SBI ટોચે, જ્યારે ખોટ કરવામાં BOB આગળ, જાણો 5 વર્ષના આંકડા
SBI BANK NEWS : કેન્દ્રએ જણાવ્યું છે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ એટીએમ કેશ વિથડ્રોઅલથી મોટાપાયા પર કમાણી કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં એસબીઆઇને એટીએમ વિથડ્રોઅલ ચાર્જ પેટે જ રૂ. 2043 કરોડની આવક થઈ હોવાનું મનાય છે. તેની તુલનાએ અન્ય નવ જાહેર ક્ષેત્રની બેન્કોની એટીએમના મોરચે સંયુક્ત ખોટ રૂ. 3738.78 કરોડ છે. સંયુક્ત ધોરણે જોઈએ તો એસબીઆઇ પછી પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) અને કેનેરા બેન્ક બે જ એવી બેન્ક છે જેણે એટીએમ રોકડ ઉપાડમાંથી અનુક્રમે રૂ. 90.33 કરોડ અને રૂ. 31.42 કરોડ એકત્રિત કર્યા છે.
આમ સરકારનું કહેવું છે કે એસબીઆઇએ જાહેર ક્ષેત્રની અન્ય બેન્કોની તુલનાએ એટીએમ રોકડ કમાણીમાં ઘણી સારી કામગીરી દાખવી છે. જાહેર ક્ષેત્રની બેન્કોએ એટીએમ વિથડ્રોઅલમાંથી કરેલી કમાણી અંગે ગૃહમાં સવાલ પૂછવામાં આવતા નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ઉપરોક્ત જવાબ આપ્યો હતો.
એસબીઆઈએ છેલ્લા પાંચ વર્ષમાં એટીએમ રોકડ ઉપાડ પેટે રુ. 656 કરોડ, રુ. 228 કરોડ, રુ. 393 કરોડ, રુ. 435 કરોડ, રુ. 331 કરોડની આવક કરી હતી. તેનાથી વિપરીત બેન્ક ઓફ બરોડાએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અનુક્રમે રુ. 70.06, રુ. 137.03, રુ. 184.88, રુ. 220.30, રૂ. 212.08 કરોડની ખોટ કરી હતી. આવી જ ખોટ કરવામાં તેના પછીના ક્રમે ઇન્ડિયન બેન્ક આવે છે. તેણે રુ. 41.85, રૂ. 89.53 , રૂ. 151.54, રૂ.161.70 અને રૂ. 188.75 કરોડની ખોટ નોંધાવી હતી.
ચૌધરીએ જણાવ્યું હતું કે ગ્રાહકને પોતાની બેન્કના એટીએમમાંથી દર મહિને પાંચ ટ્રાન્ઝેકશન ફ્રી છે. જ્યારે મેટ્રો શહેરોમાં બીજી બેન્કના એટીએમમાં પર તે ત્રણ ટ્રાન્ઝેક્શન જ વિના મૂલ્યે કરી શકે છે. નોન મેટ્રો શહેરમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા પાંચની છે.તેના પછી ગ્રાહકે પ્રતિ ટ્રાન્ઝેકશન્સ મહત્તમ રૂ.21 ચૂકવવા પડે છે.
પહેલી એપ્રિલથી હવે પાંચ ફ્રી ટ્રાન્ઝેકશન્સ સિવાય એટીએમ ટ્રાન્ઝેકશન્સ કર્યા તો પ્રતિ ટ્રાન્ઝેકશન્સ રૂ. 19 ચૂકવવા પડશે. એટીએમ પર બેલેન્સ ચેક કરવાની ફી પણ એક રૂપિયો વધીને સાત રૂપિયા થઈ ગઈ છે.