યુનિફોર્મ સિવિલ કોડની શરૂઆત : હવે ભાજપના રાજ્યો સક્રિય
- ઉત્તરાખંડમાં યુસીસી બિલ ધ્વનિમતથી પસાર : મુખ્યમંત્રી ધામીએ ઘટનાને ઐતિહાસિક ગણાવી
- યુનિફોર્મ સિવિલ કોડ મહિલાઓ પર થતા અત્યાચારનો અંત લાવશે, તમામને સમાન અધિકાર મળશે : મુખ્યમંત્રી ધામી
- મુસ્લિમો ધર્મ અને શરિયા સાથે સમજૂતી ના કરી શકે, યુનિફોર્મ સિવિલ કોડ માન્ય નથી : જમીયત ચીફ મદની
- બંધારણે દરેકને ધર્મ પાળવાની છૂટ આપી છે, સરકાર યુનિફોર્મ સિવિલ કોડ થોપી ના શકે : પ્રકાશ આંબેડકર
ઉત્તરકાશી : ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા લાગું કરનારું પ્રથમ રાજ્ય બનવા જઇ રહ્યું છે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટેના બિલને વિધાનસભામાં મંજૂરી મળી ગઇ છે અને હવે તેને રાજ્યપાલ સમક્ષ મોકલવામાં આવ્યું છે. રાજ્યપાલની મંજૂરી મળી જતા જ તેનો રાજ્યમાં અમલ શરૂ કરી દેવામાં આવશે. જે સાથે જ તમામ ધર્મના લોકો માટે લગ્ન-નિકાહ, છૂટાછેડા, જમીન, સંપત્તિ વગેરે માટે એક સમાન કાયદો લાગુ થઇ જશે. અને જુદા જુદા ધર્મો માટે જે પર્સનલ લો છે તેનું સ્થાન લેશે.
વિધાનસભામાં બિલ રજુ કરાયું ત્યારે વિપક્ષે માગણી કરી હતી કે તેને મંજૂરી મળે તે પહેલા સિલેક્ટ કમિટી સમક્ષ મોકલવામાં આવે. જોકે ઉત્તરાખંડ વિધાનસભામાં ભાજપ પાસે બહુમત હોવાથી આ બિલને મંજૂરી મળી ગઇ હતી. બિલ અંગે વાત કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે આ કોઇ સામાન્ય કાયદો નથી, યુનિફોર્મ સિવિલ કોડ તમામ ધર્મની મહિલાઓ અને પુરુષોમાં સમાનતા લાવશે. જેનાથી સમાજમાં કોઇ પણ પ્રકારનું વિભાજન નહીં થાય. ખાસ કરીને આ કાયદાથી મહિલાઓને રક્ષણ મળશે અને તેમના પર થતા શોષણનો અંત આવશે. વિધાનસભાની ચૂંટણીમાં અમે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનું વચન આપ્યું હતું અને તેને અમે પુરુ કરી બતાવ્યું છે.
ઉત્તરાખંડના યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઇની આગેવાનીમાં ગઠીત કમિટી દ્વારા તૈયાર કરાયો છે. આ કાયદો અમલમાં આવ્યા બાદ ઉત્તરાખંડ રાજ્યના દરેક ધર્મના નાગરિકોના લગ્ન, નિકાહ, છૂટાછેડા કે તલાક, જમીન સહિતની તમામ પ્રકારની સંપત્તિમાં ઉત્તરાધિકાર વગેરે માટે એક સમાન કાયદો લાગુ થશે. જોકે ઉત્તરાખંડના આદિવાસીઓને આ કાયદામાંથી બાકાત રખાયા છે અને તેમને પોતાનો કાયદો પાળવાની છૂટ અપાઇ છે. જેને પગલે જમીયત ઉલેમા એ હિન્દનું કહેવુ છે કે જો આદિવાસીઓને કાયદામાં છૂટ મળતી હોય તો મુસ્લિમોને કેમ નહીં? જમીયતના ચીફ મૌલાના અરશદ મદનીએ કહ્યું હતું કે શરિયાની સામે અમે કોઇ પણ કાયદાને સ્વીકાર ના કરી શકીએ કેમ કે મુસ્લિમ કોઇ પણ સાથે સમજૂતી કરી શકે પણ પોતાના ધર્મ અને શરિયત સાથે ના કરી શકે.
યુનિફોર્મ સિવિલ કોડમાં લગ્નની વય મર્યાદા નક્કી કરાઇ છે જ્યારે મુસ્લિમ સમાજમાં સામાન્ય રીતે ૧૩થી ૧૫ વર્ષને પુખ્ત માનીને નિકાહની છૂટ અપાય છે. ઉત્તરાખંડમાં મુસ્લિમો સહિતના ધર્મના લોકો માટે લગ્નની વય મર્યાદા યુવતીઓ માટે ૧૮ વર્ષ અને યુવકો માટે ૨૧ લાગુ રહેશે. આ ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોડ બહુવિવાહ પર પ્રતિબંધ મુકશે અને તે દરેક ધર્મોમાં લાગુ રહેશે તેથી છૂટાછેડા કે તલાક વગર એક કરતા વધુ નિકાહ કે લગ્ન કરવા અપરાધ ગણાશે. આ ઉપરાંત નિકાહ હલાલા અને ઇદ્દત જેવી પ્રથાઓ પર પણ પ્રતિબંધ મુકાશે. જોકે બિલામા આ પ્રથાનું નામ નથી લેવામાં આવ્યું પણ એવો ઉલ્લેખ છે કે તલાક બાદ પણ વ્યક્તિ ઇચ્છે તો કોઇ પણ પ્રકારની શરત વગર ફરી તેની સાથે નિકાહ કરી શકે છે. આ ઉપરાંત દરેક ધર્મોના લોકોની સંપત્તિમાં પુત્ર અને પુત્રીને એક સમાન અધિકાર આપવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઇ ગયા બાદ અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં પણ તેનો અમલ થવાની શક્યતાઓ છે. જ્યારે લિવ ઇન રિલેશનશિપ માટે ફરજિયાત નોંધણી જેવી જોગવાઇઓને કોર્ટમાં પડકારવામાં પણ આવી શકે છે.
દરમિયાન બંધારણના ઘડવૈયા ડો. બી આર આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે કહ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ લોકો પર થોપી ના શકાય, કેમ કે બંધારણે દરેક ધર્મોને સ્વતંત્રતા આપી છે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ઉત્તરાખંડના નાગરિકોએ એ નક્કી કરવાનું રહેશે કે તેમણે યુનિફોર્મ સિવિલ કોડ સાથે જવું છે કે પછી પર્સનલ લો સાથે. જોકે મને શંકા છે કે રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી શકે કે કેમ. જ્યાં સુધી બંધારણમાં સંપૂર્ણ સુધારો ના થાય ત્યાં સુધી સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ના કરી શકે. યુનિફોર્મ સિવિલ કોડ માત્ર પ્રોપેગંડા છે બીજુ કઇ નથી.
કાયદાઓની કોપી પેસ્ટ, પ્રાઇવેસીનો ભંગ, ભૃણ હત્યા વધવાની ભીતિ : વિધાનસભામાં ઉઠેલા સવાલો
- બિલામાં એવી જોગવાઇ છે કે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકોએ ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે અને ૨૧ વર્ષથી નીચેની વયના હોય તો માતા પિતાને જાણ કરવાની રહેશે. વિધાનસભામાં વિપક્ષના નેતા ભુવન ચંક્ર કાપરીએ કહ્યું હતું કે આ જોગવાઇ પુખ્ત વયના યુવકો અને યુવતીઓની પ્રાઇવેસીનો ભંગ નથી કરતી?
- તેમણે કહ્યું હતું કે લગ્નોની ફરજિયાત નોંધણી, બાળ લગ્નો પર પ્રતિબંધ, લગ્ન માટે લઘુતમ વય મર્યાદા વગેરે જોગવાઇઓ અગાઉથી જ અન્ય કાયદામાં છે તેમ છતા યુનિફોર્મ સિવિલ કોડમાં તેનો સમાવેશ કરાયો તેથી તેમાં કઇ નવુ નથી. યુનિફોર્મ સિવિલ કોડ માત્ર વર્તમાન કાયદાઓની કોપી પેસ્ટ છે. જે કાયદાઓ પહેલાથી જ છે તેનો સમાવેશ યુનિફોર્મ સિવિલ કોડમાં કરવો બિનજરૂરી છે. માટે તેને કમિટી સમક્ષ મોકલવું જોઇએ.
- ધારાસભ્ય પ્રિતમસિંહે કહ્યું હતું કે અન્ય રાજ્યોમાં ઉત્તરાખંડના જે નાગરિકો રહે છે તેમના પર રાજ્ય પુરતા આ યુનિફોર્મ સિવિલ કોડને કેવી રીતે લાગુ કરશો? ે લિવ ઇન રિલેશનશિપની ફરજિયાત નોંધણીના વિચારને સુપ્રીમે પણ મુર્ખામીભર્યો ગણાવ્યો હતો.
- જ્યારે અન્ય એક ધારાસભ્ય શહઝાદે કહ્યું હતું કે મુસ્લિમોને જે ધાર્મિક અધિકારો મળ્યા છે તેનો ભંગ થશે. પિતૃક સંપત્તિમાં પુત્ર અને પુત્રી બન્નેને સરખો અધિકાર મળશે તો ભૃણ હત્યાનું પ્રમાણ વધી શકે છે.ં પુત્રીની ભૃણમાં જ હત્યા કરવાનું પ્રમાણ વધી શકે છે.
- કોંગ્રેસના ધારાસભ્ય તિલક રાજ બેહારે કહ્યું હતું કે બંધારણના આર્ટિકલ ૪૪ હેઠળ આ બિવ તૈયાર કરાયું છે પણ આ જોગવાઇમાં સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની વાત છે, માત્ર રાજ્ય માટે નહીં.
- કોંગ્રેસના ધારાસભ્ય આદેશસિંહે કહ્યું હતું કે આદિવાસીઓને યુનિફોર્મ સિવિલ કોડમાંથી બાકાત રખાયા છે, તેથી તેને પુરા રાજ્ય માટેનો કાયદો કેમ કહી શકાય?