Get The App

આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિર પરિસરમાં નાસભાગ મચી, 6 શ્રદ્ધાળુના મોત, 4000 લોકો હતા કતારમાં

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિર પરિસરમાં નાસભાગ મચી, 6 શ્રદ્ધાળુના મોત, 4000 લોકો હતા કતારમાં 1 - image


Stampede in Tirupati temple: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિર પરિસરમાં નાસભાગ મચી હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, મંદિર પરિસરમાં ટિકિટ બુકિંગ કાઉન્ટર પર 4 હજાર લોકો કતારમાં ઊભા હતા. આ દરમિયાન નાસભાગ મચતાં છ લોકોના મોત થયા છે. જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 6 શ્રદ્ધાળુ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓ આવતીકાલે સવારે 10 વાગ્યે તિરૂપતિ મંદિર જશે.

કેવી રીતે બની હતી ઘટના?

બુધવારે(8 જાન્યુઆરી) આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કેન્દ્ર પાસે નાસભાગમાં એક મહિલા સહિત છ લોકોના મોત થયા. સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ વૈકુંઠ દ્વાર દર્શનની ટિકિટ માટે તિરુપતિના વિવિધ ટિકિટ કેન્દ્રો પર કતારમાં ઊભા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે બૈરાગી પાટિડા પાર્કમાં ભક્તોને કતારમાં ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. નાસભાગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં મલ્લિકા નામની મહિલાનું મોત થયું હતું.

4,000 લોકો દર્શન માટે કતારમાં ઊભા હતા

સ્થિતિ વણસતી જોઈને તિરુપતિ પોલીસે ચાર્જ સંભાળી લીધો અને સ્થિતિને કાબુમાં લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 4,000 લોકો દર્શન માટે કતારમાં ઊભા હતા. ટેમ્પલ કમિટીના ચેરમેન બી આર નાયડુ પરિસ્થિતિને લઈને ઇમરજન્સી બેઠક કરી રહ્યા છે. બેઠક બાદ તેઓ મીડિયાને સંબોધશે.

સીએમ ચંદ્રબાબુ નાયડુએ દુઃખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તિરુપતિમાં વિષ્ણુ નિવાસમ પાસે તિરુમાલા શ્રીવરી વૈકુંઠ દ્વાર પર દર્શન માટે ટોકન મેળવવા માટે થયેલી ભાગદોડમાં શ્રદ્ધાળુઓના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. ટોકન લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા ત્યારે આ ઘટના બની હતી. મુખ્યમંત્રીએ આ ઘટનામાં ઘાયલોને આપવામાં આવી રહેલી સારવાર અંગે અધિકારીઓ સાથે ફોન પર વાત કરી હતી. મુખ્યમંત્રી સમયાંતરે જિલ્લા અને TTD અધિકારીઓ સાથે વાત કરીને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ છે. મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને ઘટના સ્થળે જઈને રાહતના પગલાં લેવાનો આદેશ આપ્યો છે, જેથી ઘાયલોને સારી સારવાર મળી શકે.

જગન મોહન રેડ્ડીએ શ્રદ્ધાળુઓના મોત પર શોક વ્યક્ત કર્યો હતો

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને YSRCP પ્રમુખ YS જગન મોહન રેડ્ડીએ નાસભાગમાં ભક્તોના દુ:ખદ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને સરકારને વિનંતી કરી કે તેઓ ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સંભાળ સુનિશ્ચિત કરે. તેમણે હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી હતી.

10થી 19 જાન્યુઆરી સુધી ખુલ્લું મૂકાયું હતું વૈકુંઠ દ્વાર 

એક દિવસ અગાઉ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એક્ઝિક્યુટિવ ઑફિસર (EO) જે શ્યામલા રાવે 10થી 19 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાનારી વૈકુંઠ એકાદશી અને વૈકુંઠ દ્વાર દર્શનમની વિગતવાર વ્યવસ્થાઓની રૂપરેખા આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સામાન્ય યાત્રાળુઓને વૈકુંઠ દ્વાર દર્શન ઉપલબ્ધ કરાવવા એ TTDની ટોચની પ્રાથમિકતા છે.

રાવે જાહેરાત કરી હતી કે TTD એ આ સમયગાળા દરમિયાન સાત લાખ શ્રદ્ધાળુઓને સમાવવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. તેમણે માહિતી આપી હતી કે તમામ તીર્થયાત્રીઓ માટે સરળ અને સલામત દર્શનનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિશેષ પ્રોટોકોલ સાથે વૈકુંઠ દ્વાર દસ દિવસ સુધી ખુલ્લું રહેશે. 10 જાન્યુઆરીએ સવારે 4.30 કલાકે પ્રોટોકોલ દર્શન સાથે દર્શન શરુ થશે, ત્યારબાદ સવારે 8 વાગે તમામ દર્શન થશે.


Google NewsGoogle News