VIDEO: પુરીની રથયાત્રામાં નાસભાગ, 400 ભક્તો ઈજાગ્રસ્ત, એકનું મોત, સોમવારે સવારે ફરી શરૂ થશે યાત્રા
Jagannath Puri Rath Yatra 2024 : ઓડિશાનાં પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન નાસભાગ મચી છે. આ નાસભાગમાં એક શ્રદ્ધાળુનું મોત અને 400 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આમાંથી ઘણા શ્રદ્ધાળુઓનાં નાની-મોટી ઈજાઓ થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ રથયાત્રાને અટકાવી દેવાઈ છે અને આવતીકાલે સવારે 9.00 કલાકે ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ઈજાગ્રસ્ત થયેલા કેટલાક શ્રદ્ધાલુઓને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે, તો ગંભીર ઈજાગ્રસ્તોની સારવાર ચાલીર રહી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર શ્રદ્ધાળુ અન્ય રાજ્યનો હોવાના અહેવાલો સામે આવ્યા છે.
બલભદ્રનો રથ ખેંચતી વખતે બની ઘટના
રથયાત્રામાં ભગવાન ભલભદ્રનો રથ ખેંચતી વખતે આ ઘટના બની છે. આ દરમિયાન એક વ્યક્તિ જમીન પર પડી જતાં તેનું મોત નિપજ્યું છે. જ્યારે નાસભાગ થવાના કારણે 400 ભક્તોને ઈજા થઈ હોવાના અહેવાલો સાંપડ્યા છે. ઘટના બન્યા બાદ હાલ રથયાત્રા અટકાવી દેવાઈ છે અને આવતીકાલે સવારે 9.00 કલાકે ફરી આગળ પ્રયાણ કરાવવાનો નિર્ણય લેવાયો છે. હાલ પોલીસે સ્થિતિ કાબુમાં લઈ લીધી છે.
આ પણ વાંચો : ચારધામ યાત્રા બે દિવસ સુધી રોકી દેવાઈ, ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે લેવાયેલો નિર્ણય
પુરીમાં પ્રથમવાર બે દિવસની રથયાત્રા
ઉલ્લેખનીય છે કે, પુરીમાં 1971થી એક દિવસની રથયાત્રા યોજાતી રહી છે, ત્યારે આ વખતે બે દિવસ રથયાત્રા યોજવાનો નિર્ણય કરાયો છે. અહીં દર વર્ષે ઓડિશા તેમજ અન્ય રાજ્યોના અસંખ્ય શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાતા હોય છે.