મુંબઈમાં બાંદ્રા ટર્મિનસ સ્ટેશનમાં નાસભાગ, 9 મુસાફરો ઈજાગ્રસ્ત થતાં અફરાતફરી, 2 ગંભીર
Stampede At Mumbai's Bandra Terminus station: મુંબઈના બાંદ્રા ટર્મિનલ સ્ટેશનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. શનિવાર-રવિવારની રાત્રિ દરમિયાન અહીં નાસભાગ મચી ગઇ હતી. જેમાં લગભગ 9 મુસાફરો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે જેમાં બેની હાલત ગંભીર હોવાની જાણકારી મળી છે.
ક્યારે અને કેવી રીતે બની ઘટના?
આ ઘટના મોડી રાત્રે બની હતી. મુંબઈથી ગોરખપુર જતી ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર પહોંચી તો ટ્રેનમાં ચઢવાની ઉતાવળે નાસભાગ મચી હતી. આ નાસભાગમાં અનેક યાત્રીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તમામ ઘાયલોને નજીકની ભાભા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે દિવાળી અને તહેવારની સિઝન હોવાથી મોટાભાગના લોકો હાલમાં પોત-પોતાના વતન જવા ગમે તે રીતે પ્રયાસ કરી રહ્યા હોવાથી રેલવે-બસ જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
રેલવેએ શું કહ્યું?
રેલવે વિભાગે જણાવ્યું કે, 'સાપ્તાહિક ટ્રેન બાંદ્રા ગોરખપુર એક્સપ્રેસનું સમયપત્રક ફરીથી નક્કી કરવામાં આવ્યું છે. આ ટ્રેન સવારે 5:10 કલાકે દોડવાની હતી. આજે સવારે રિશેડ્યુલ કર્યા બાદ ટ્રેન પ્લેટફોર્મ પર મોડી આવી હતી. રાત્રે 3થી 3:30 વાગ્યાની આસપાસ ટ્રેન આવી હત. સ્ટેશન પર ભારે ભીડને કારણે સામાન્ય બોગીમાં ચડવા માટે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે, પરંતુ રેલવેએ પુષ્ટિ કરી છે કે કુલ 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેટલાક લોકોના પગમાં ફ્રેક્ચર થયું છે તો કેટલાકના કમરમાં ફ્રેક્ચર થયું છે. જે ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બીએમસીએ પણ આપી માહિતી
બીએમસીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે દિવાળીથી પહેલા તહેવારમાં ખરીદી કરવા કે ઘરે નીકળવા ઉપડેલી ભીડને કારણે જ આ નાસભાગ મચી હતી. ઘટનાની તસવીરો અને વીડિયો પણ વાયરલ થયા છે જેમાં ફ્લોર પર લોહી ફેલાયેલો જોવા મળી રહ્યો છે. રેલવે પોલીસના જવાન અને અન્ય યાત્રીઓએ ઘાયલોને સ્ટ્રેચર પર સારવાર માટે પહોંચાડ્યા હતા જે વીડિયોમાં દેખાય છે.