એસટી બસ મુસાફરી મોંઘી થઇ ભાડામાં રૂ.1 થી રૂ.4 સુધીનો વધારો
- અબ કી બાર, 27 લાખ મુસાફરોના ખિસ્સા પર આર્થિક માર
- 2023માં 25 ટકાનો ભાડામાં વધારો કરાયો હતો દોઢ વર્ષ માંડ વીત્યું છે ત્યાં નિગમે ફરી 10 ટકા ભાડુ વધાર્યુ
અમદાવાદ : એક તરફ ગુજરાતમાં કારમી મોંઘવારીમાં જનતા પિડાઇ રહી છે ત્યાં એસટી નિગમે બસ ભાડામાં વધારો કર્યો છે જેના કારણે બસ મુસાફરોના ખિસ્સા પર આર્થિક માર પડયો છે. રાજ્યમાં રોજીદીં અવરજવર કરતાં ૨૭ લાખ મુસાફરો માટે બસ મુસાફરી મોંઘી થઇ છે. એસટી નિગમે એક્સપ્રેસ- લોકલ બસોમાં રૂ.૧થી માંડીને રૂ.૪ સુધી બસ ભાડુ વધાર્યુ છે. આ બસભાડાનો વધારો શુક્રવારની મધરાતથી અમલી બનાવાયો છે.
ગુજરાતમાં ૮ હજારથી વધુ એસટી બસો દોડી રહી છે જેમાં હજારો લાખો મુસાફરો બસ મુસાફરી કરે છે. દેવાના ડૂંગર તળે દબાયેલું એસટી નિગમે હવે ખોટ સરભર કરવા બસભાડુ વધાર્યુ છે.એક તરફ,હાથ દેખાડો અને એસટીબસ ઉભી રાખો તેવા સૂત્રો પોકારવામાં આવે છે ત્યારે બીજી તરફ, એસટી મુસાફરી પણ દિનેદિને મોંઘી થઇ રહી છે.
એસટી નિગમનો દાવો છેકે, વિદ્યાર્થીઓ, દિવ્યાંગો સહિત અન્ય પાત્રતા ધરાવતા લોકો અને નોકરિયાતોને રાહત દરે અથવા વિના મૂલ્યે બસ મુસાફરીની સુવિધાનો લાભ આપવામાં આવે છે. છેલ્લા ૧૪ મહિનામાં નવી સ્લીપર કોચ, વોલ્વો, સેમી લક્ઝરી, સુપર ડિલક્સ અને મીની બસો મૂકવામાં આવી છે જેથી ખાનગી બસોની જેમ મુસાફરોને સુવિધાયુક્ત મુસાફરીનો લાભ મળે.લોકલ બસોમાં રોજ અંદાજીત ૧૦ લાખ મુસાફરો બસ મુસાફરી કેરે છે. જોકે, ખુદ એસટી નિગમે સ્વીકાર્યુ છેકે, તા.૧લી, ઓગષ્ટ, ૨૦૨૩ના રોજ બસ ભાડુ વધારવામાં આવ્યુ હતું. એ વખતે બસ ભાડામા ૨૫ ટકાનો વધારો કરાયો હતો. આ વાતને હજુ માંડ દોઢેક વર્ષ વિત્યુ છે ત્યારે એસટી નિગમની ખોટને સરભર કરવાના હેતુથી ગુજરાત એસટી નિગમે આજે અચાનક જ એસટી બસ ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવા નિર્ણય કર્યો છે જેના કારણે રોજીંદી અવરજવર કરતાં ૨૭ લાખ મુસાફરોને રૂટ અનુસાર ૪૮ કી.મી.એ રૂ.૧થી માંડીને રૂ.૪ સુધી વધુ બસભાડુ ચૂકવવુ પડશે. બસભાડામાં વધારો કરી દેવાતાં એસટી નિગમની રોંજીદી આવકમાં સરેરાશ ૫૦ લાખથી વધુની આવક વધે તેવો અંદાજ છે. જોકે, એસટી નિગમની દલીલ છેકે,૧૦ ટકા બસભાડુ વધતાં સામાન્ય મુસાફરો પર ભાડા વધારાની અસર નહીં પડે.
એસટી નિગમનું દેવુ દિનેદિને વધી રહ્યુ છે તો બીજી તરફ, ઉત્સવો,સરકારી તાયફામાં ભીડ ભેગી કરવા એસટી બસોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે સરકારે હજુ એસટી નિગમને લાખો કરોડો રૂપિયા ભાડુ ચૂકવવાનુ બાકી છે.
અગત્યના રૂટની એક્સપ્રેસ બસના ભાડાની વિગત
રૂટ |
હાલનું ભાડું |
નવું ભાડું |
તફાવત |
અમદાવાદ- મહેસાણા |
૯૫ |
૧૦૫ |
૧૦ |
અમદાવાદ- વડોદરા |
૧૧૪ |
૧૨૫ |
૧૧ |
અમદાવાદ- રાજકોટ |
૧૭૧ |
૧૮૮ |
૧૭ |
અમદાવાદ- ગોધરા |
૧૨૧ |
૧૩૩ |
૧૨ |
અમદાવાદ- સુરત |
૧૯૪ |
૨૧૩ |
૧૯ |
અમદાવાદ- પાલનપુર |
૧૩૩ |
૧૪૬ |
૧૩ |
અમદાવાદ- જામનગર |
૨૧૬ |
૨૩૮ |
૨૨ |
અમદાવાદ- ભાવનગર |
૧૫૪ |
૧૬૯ |
૧૫ |
અમદાવાદ- દાહોદ |
૧૬૫ |
૧૮૨ |
૧૭ |
અમદાવાદ- હિંમતનગર |
૯૩ |
૧૦૨ |
૯ |
અમદાવાદ- મોડાસા |
૧૦૪ |
૧૧૪ |
૧૦ |