Get The App

શ્રીનગરમાં કાતિલ ઠંડીએ તોડ્યો રૅકોર્ડ, -8.5 ડિગ્રી તાપમાન પહોંચ્યું, દાલ સરોવર પણ થીજી ગયું

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
Srinagar Recorded a Minimum Temperature


Srinagar Recorded a Minimum Temperature: સમગ્ર ઉત્તર ભારતમાં આ દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હીથી લઈને કાશ્મીર સુધી વાતાવરણમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત શ્રીનગરમાં નોંધાઈ હતી. જેમાં તાપમાન -8.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી જતાં શહેરમાં કડકડતી ઠંડી પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શ્રીનગરમાં ડિસેમ્બર મહિના દરમિયાન ઇતિહાસમાં અત્યાર સુધીનું ત્રીજું સૌથી નીચું તાપમાન રહ્યું હતું.

અનેક રાજ્યોમાં કોલ્ડવેવની ચેતવણી 

દક્ષિણ કાશ્મીરમાં શોપિયાં મેદાન સૌથી ઠંડો વિસ્તાર હતો, જ્યાં લઘુત્તમ તાપમાન -10.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અનંતનાગ શહેરમાં -9.9 ડિગ્રી સેલ્સિયસ અને પુલવામા શહેરમાં પણ લઘુત્તમ તાપમાન -9.5 ડિગ્રી સેલ્સિયસ સાથે ઠંડી રાત નોંધાઈ હતી, જ્યારે લાર્નુમાં - 9.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી દિવસોમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ચંદીગઢ સહિત અનેક રાજ્યોમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. 

શ્રીનગરમાં કાતિલ ઠંડીએ તોડ્યો રૅકોર્ડ, -8.5 ડિગ્રી તાપમાન પહોંચ્યું, દાલ સરોવર પણ થીજી ગયું 2 - image

કેવી છે કાશ્મીર અને લદ્દાખની હાલત?

કાશ્મીરમાં ઝોજિલા સૌથી ઠંડું સ્થળ હતું, જ્યાં લઘુત્તમ તાપમાન -24.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પ્રવાસન સ્થળ પહેલગામમાં લઘુત્તમ તાપમાન -8.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ન્યોમા લદ્દાખ ક્ષેત્રમાં -24 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે દ્રાસમાં રાત્રિનું તાપમાન -14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજધાની લેહમાં તાપમાન -11.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે કારગીલમાં પણ લઘુત્તમ તાપમાન -13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આગામી બે દિવસ માટે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે 21થી 23 ડિસેમ્બરની વચ્ચે ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરી છે, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં 28 ડિસેમ્બર સુધી કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. સવારના સમયે કડકડતી ઠંડીના કારણે અનેક વિસ્તારોમાં નળ જામી ગયા હતા અને લોકોએ પાણીની પાઇપો ગરમ કરીને પાણી પુરવઠો પૂરો પાડવો પડ્યો હતો. કડકડતી ઠંડીને કારણે, દાલ સરોવરના ભાગો સહિત મોટાભાગના જળાશયો થીજી ગયા હતા. 

શ્રીનગરમાં કાતિલ ઠંડીએ તોડ્યો રૅકોર્ડ, -8.5 ડિગ્રી તાપમાન પહોંચ્યું, દાલ સરોવર પણ થીજી ગયું 3 - image

હિમાચલ પ્રદેશમાં શીત લહેર 

IMD અનુસાર, 23 ડિસેમ્બરે લાહૌલ સ્પીતિ, કુલ્લુ અને ચંબાના ઊંચા શિખરો પર હિમવર્ષા થઈ શકે છે. હવામાન વિભાગે હમીરપુર, મંડી, ઉના અને બિલાસપુર માટે ઑરેન્જ ઍલર્ટ અને કુલ્લુ, ચંબા અને કાંગડા માટે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.


Google NewsGoogle News