જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં રવિવારી બજારમાં મોટો ગ્રેનેડ હુમલો, 12 નાગરિક ઈજાગ્રસ્ત
Jammu Kashmir News : જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકવાદી હુમલા વધી રહ્યા છે. શ્રીનગરમાં રવિવારે (3 નવેમ્બર, 2024) મોટો ગ્રેનેડ હુમલો થયો. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, 12 નાગરિકો આ હુમલામાં ઈજાગ્રસ્ત થયા. આતંકવાદીઓએ રવિવારી બજારમાં ભીડવાળા પ્રવાસી સ્વાગત કેન્દ્ર (TRS)ની નજીક ગ્રેનેડ ફેંક્યા. શ્રીનગરના લાલચોક પર દર રવિવારે બજાર ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે એકઠા થાય છે. જોકે, હુમલા બાદ તપાસ માટે કાશ્મીર પોલીસના વિશેષ દળને તૈનાત કરાયું છે. જ્યારે હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ સરૂ કરી દેવાયું છે.
આ પણ વાંચો : બિહારમાં મોટી દુર્ઘટના, ગંગા નદીમાં બોટ પલટી ખાઈ જતાં સાતથી વધુ બાળકો ડૂબી જવાની આશંકા
અધિકારીઓએ જણાવ્યું છે કે, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા છે. જ્યારે આતંકવાદીઓની શોધખોળ માટે પોલીસ અને અર્ધસૈનિક દળો કામે લાગ્યા છે. વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાયો છે અને દુકાનદારોમાં અફરાતફરી મચી.
ગત રોજ અનંતનાગ અને શ્રીનગરના ખાનયારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ભયંકર અથડામણ થઈ, જેમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા. જે આતંકવાદીઓમાં પાકિસ્તાન સ્થિત લશ્કરના એક સીનિયર કમાન્ડર પણ હતા, જે મોટી ઘટનાને અંજામ આપવા માટે વિસ્તારના એક ઘરમાં છૂપાયેલા હતા.