પૂરીમાં ભગવાન જગન્નાથની શ્રી મંદિર પરિક્રમા હવે સરળતાથી કરી શકાશે
- ઓડિશા સરકાર અને મંદિર દ્વારા સંયુક્ત રીતે 250 મીટર પહોળો અને 1.5 કિ.મી. લાંબો પરિક્રમાપથ તૈયાર કરાયો
- બે ભાગમાં વહેંચાયેલા પરિક્રમાપથમાં એકસાથે 5,000થી વધુ શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી શકશે
ઓડિશાના પૂરીમાં આવેલું ભગવાન જગન્નાથનું જગવિખ્યાત મંદિર હવે વધુ એક મોટી સિદ્ધી હાંસલ કરવા જઈ રહ્યું છે. ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે મંદિરમાં બિરાજતા ભગવાન જગન્નાથના દર્શનાર્થે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂરીમાં આવે છે. તેમને દર્શન માટે જવામાં તથા ઐતિહાસિક રથયાત્રા દરમિયાન લોકોને દર્શન કરવામાં પડતી હાલાકીનો ઉકેલ લાવવામાં આવ્યો છે. જગન્નાથ મંદિરને ફરતે શ્રી મંદિર પરિક્રમા પથ તૈયાર કરવામાં આવ્યો છે. ૧૭ જાન્યુઆરીના રોજ પૂરીના રાજા દિબ્યસિંઘા દેબ ગજપતિ અને ઓડિશાના સીએમ નવીન પટનાયક દ્વારા તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. ૮૦૦ કરોડના ખર્ચે આ પરિક્રમાપથ તૈયાર કરવામાં આવ્યો છે. આ પરિક્રમાપથ ૨૫૦ ફૂટ પહોળો અને ૧.૫ કિ.મી. લાંબો છે. ઉલ્લેખનીય છે કે, કળિયુગમાં ધરતી ઉપર અત્યંત મહત્ત્વના ગણાતા આસ્થાના કેન્દ્રોમાં ભગવાન જગન્નાથનું પૂરીનું ધામ વિશેષ મહત્ત્વ ધરાવે છે. કહેવાય છે કે, ૧૨૦૦ વર્ષ પહેલાં આદિ શંકરાચાર્ય દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. મંદિર જેટલું દિવ્ય અને ભવ્ય છે તેટલું જ ચમત્કારો અને આશ્ચર્યોથી પણ ભરેલું છે. આ મંદિરની સુરક્ષા ભગવાન વિષ્ણુના વાહન ગરુડજીને અપાઈ હોવાથી મંદિર ઉપરથી એકપણ પક્ષી ઉડીને જઈ શકતું નથી. તે ઉપરાંત દરરોજ ૧૫થી ૧૭ હજાર લોકો મંદિર પરિસરમાં આવીને ભોજનપ્રસાદ ગ્રહણ કરે છે. તેમ છતાં મંદિરમાં ક્યારે પ્રસાદ ઘટતો નથી કે વધતો પણ નથી. મંદિરની ધ્વજા પણ હંમેશા હવાથી વિરુદ્ધ દિશામાં જ ઉડતી હોય છે. મંદિર ઉપર લગાવેલું સુદર્શન ચક્ર પણ પૂરીના કોઈપણ વિસ્તારમાંથી જોઈએ તો પોતાની સન્મુખ જ હોય તેવું લાગે છે. આ સિવાય પણ મંદિરના ઘણા આશ્ચર્યો છે. આ કારણે અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી રાજ્ય સરકારે મંદિર પરિક્રમાપથ વિકસાવ્યો છે. આ માટે કુલ ૨૬ એકર જમીન સંપાદિત કરવામાં આવી છે. આ જમીન ઉપર રહેતા કે વ્યવસાય કરતા લોકોને બીજે સ્થળાંતરિત પણ કરાયા છે. આ સિવાય મંદિરથી માત્ર ૮૦૦ મીટર દૂર મલ્ટિલેવલ પાર્કિંગ પણ બનાવાયું છે જેમાં ૧૪૦૦ ગાડીઓનું પાર્કિંગ થઈ શકે છે.