વડાપ્રધાન મોદીને મળ્યા શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકા, જાણો કયા મુદ્દે પર લેવાયા મહત્ત્વના નિર્ણયો
Image Source: Twitter
Sri Lankan President Anura Kumara India Visit: શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકા હાલમાં ભારતના પ્રવાસે છે. સોમવારે તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. બંને દેશોના નેતાઓ વચ્ચેની વાતચીત દરમિયાન ઘણાં મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બંને દેશે પોતાની ભાગીદારીને વિસ્તારવા માટે ભવિષ્યવાદી દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી પર ભાર મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને દેશોએ ટૂંક સમયમાં એક સંરક્ષણ સહયોગ કરાર પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો હતો, આ સાથે જ વીજળી ગ્રીડ કનેક્ટિવિટી અને મલ્ટિ-પ્રોડક્ટ પેટ્રોલિયમ પાઈપલાઈનોની સ્થાપના કરીને ઉર્જા સંબંધોને વધારવાનો નિર્ણય કર્યો છે.
બંને દેશોની કનેક્ટિવિટી પર ભાર
મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું કે, બંને પક્ષોએ ભારત-શ્રીલંકા આર્થિક ભાગીદારી માટે રોકાણ આધારિત વિકાસ અને કનેક્ટિવિટી પર ભાર મૂકવાનો નિર્ણય કર્યો અને એ નિર્ણય લેવામાં આવ્યો કે ભૌતિક, ડિજિટલ અને ઊર્જા કનેક્ટિવિટી સહયોગના પ્રમુખ સ્તંભ હશે.
તેમણે કહ્યું કે, પાવર ગ્રીડ કનેક્ટિવિટી અને મલ્ટિ-પ્રોડક્ટ પેટ્રોલિયમ પાઈપલાઈનની સ્થાપના માટે કામ કરવામાં આવશે. ભારત ટાપુ રાષ્ટ્રના પાવર પ્લાન્ટ્સને લિક્વિફાઈડ નેચરલ ગેસ સપ્લાય કરશે.
વડાપ્રધાને એ પણ જાહેરાત કરી કે, બંને દેશો વચ્ચે કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે રામેશ્વરમ અને તલાઈમનાર વચ્ચે એક નૌકા સેવા શરૂ કરવામાં આવશે.
હાઈડ્રોગ્રાફી પર સહયોગ માટે પણ કરાર
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, અમે બંને એ વાતપર સહમત છે કે, અમારા સુરક્ષા હિતો પરસ્પર જોડાયેલા છે. અમે રક્ષા સહયોગ કરારને ટૂંક સમયમાં અંતિમ રૂપ આપવાનો નિર્ણય લીધો છે. હાઈડ્રોગ્રાફી પર સહયોગ માટે પણ એક કરાર થયો છે. બંને દેશોના નેતાઓ વચ્ચે થયેલી વાટાઘાટોમાં માછીમારોના વિવાદાસ્પદ મુદ્દા પર પણ ચર્ચા થઈ. અમે માછીમારોની આજીવિકાને લગતા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. અમે એ વાત પર સહમત છીએ કે, આ મામલે માનવતાવાદી દ્રષ્ટિકોણ સાથે આગળ વધવું જોઈએ. તમિલ મુદ્દાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, ભારતને આશા છે કે શ્રીલંકા સરકાર સમુદાયની આકાંક્ષાઓને પૂર્ણ કરશે.