જાફના પાસે ભારતીય માછીમાર નૌકા પર શ્રીલંકન નૌકાદળ દ્વારા ફાયરિંગ : બેને ઈજા
- માછીમારી અંગેનો જળ વિસ્તાર તદ્દન સ્પષ્ટ રહી ન શકે આથી આવી ઘટનાઓ વારંવાર બને છે : ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ છે
ચેન્નાઈ : જાફના સીમાં માછીમારી કરવા ગયેલી બે ભારતીય બોટોની ઉપર શ્રીલંકન નૌકાદળ દ્વારા ગોળીબાર કરાતાં બે ભારતીય માછીમારોને ઈજા થઈ હતી. આ માછીમાર નૌકાઓ કુલ ૧૩ નૌકાઓના ભાગરૂપ હતી. સહજ છે કે કોઈપણ દેશ પોતાના જળ વિસ્તારમાં અન્ય દેશની નૌકાઓને પરવાનગી વગર આવવા જ ન દે, પરંતુ નજીક નજીકના દેશોમાં જળ વિસ્તારો એટલા નજીક હોય છે કે માછીમારો ઘણીવાર ભેદરેખા ચૂકી જાય છે.
ઉક્ત ઘટનાક્રમ અંગે રામેશ્વરમ્ ફીશરમેન એસોસિએશને જણાવ્યું હતું કે, આ બંને નૌકાઓના માછીમારો જાફનાના પરથુરા બીચ નજીક માછલી પકડતા હતા ત્યારે શ્રીલંકન નેવીએ તેમની ઉપર ગોળીબાર કરતાં બે નૌકાઓમાં રહેલા એક માછીમારને હાથ ઉપર ગોળી વાગી હતી. પછી શ્રીલંકન નેવીએ તે નૌકાઓને એરેસ્ટ કરી જાફના લઈ જવાઈ, જ્યાં તે બંને ઈજાગ્રસ્ત માછીમારોને સારવાર અપાઈ રહી છે.
આ પૂર્વે પણ શ્રીલંકન નેવીએ ૪૧ માછીમારોને પકડયા હતા પરંતુ પછીથી તેઓને ભારતને સોંપી દીધા હતા. તેમની ધરપકડ કરી વિમાન દ્વારા ચેન્નાઈ એરપોર્ટ ઉપર ઉતારી મુક્યા હતા. આ ૪૧ માછીમારો પૈકી ૩૫ માછીમારો તો રામનાથપુરમ્ જિલ્લાના જ હતા, તેમની કચ્છ-થીવુ ટાપુ પાસે સપ્ટે. ૮ ૨૦૨૪ના દિને ધરપકડ કરાઈ હતી. જોકે ભારત-સરકાર અને તમિળનાડુ સરકારના કહેવાથી તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા અને ભારતને સોંપી દેવાયા હતા.