શ્રીલંકાના નૌકાદળે તામિલનાડુનાં વધુ 37 માછીમારોની ધરપકડ કરી, CM સ્ટાલિને એસ.જયશંકરને લખ્યો પત્ર
નૌકાદળે આ મહિનામાં કુલ 10 બોટ અને 64 માછીમારોની ધરપકડ કરી
માછીમારો ભુલથી શ્રીલંકાની જળસીમામાં પ્રવેશ્યા, પાંચ બોટો પણ જપ્ત કરાઈ
ચેન્નાઈ, તા.29 ઓક્ટોબર-2023, રવિવાર
શ્રીલંકાના નૌકાદળે (Sri Lankan Navy) તામિલનાડુ (Tamil Nadu)ના 37 માછીમારોની ધરપકડ કરી છે, જેને લઈને મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને (CM M.K.Stalin) એસ.જયશંકર (S.Jaishankar)ને પત્ર લખ્યો છે. મત્સ્ય ઉદ્યોગના એક અધિકારીએ આજે જણાવ્યું કે, આ માછીમારો ભુલથી શ્રીલંકાની જળસીમામાં ભટકી ગયા હતા. તેમની પાંચ બોટો પણ જપ્ત કરી લેવામાં આવી છે.
આ મહિનામાં કુલ 64 માછીમારોની ધરપકડ, 10 બોટ જપ્ત
શ્રીલંકાના નૌકાદળે એક અભિયાન દરમિયાન શનિવારે રાત્રે તમામ માછીમારોની ધરપકડ કરી છે. નૌકાદળે આ મહિનામાં કુલ 10 બોટ અને 64 માછીમારોની ધરપકડ (Fishermen Arrest) કરી છે. મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને કેન્દ્ર સરકાર સમક્ષ આ મામલો ઉઠાવ્યો છે અને વિદેશમંત્રી એસ.જયશંકરને વિનંતી કરી છે કે, તેઓ તમામ માછીમારો અને તેમની બોટો છોડાવવવા જરૂરી પગલા ભરે.
વારંવાર ધરપકડની ઘટનાઓથી માછીમાર સમુદાય પરેશાન : સ્ટાલીન
શ્રીલંકન નૌકાદળ દ્વારા શનિવારે 37 માછીમારોને બોટો સાથે ધરપકડ કરવા મામલે મુખ્યમંત્રી સ્ટાલીને કેન્દ્રીય મંત્રીને પત્રમાં જણાવ્યું કે, આપ જાણો છો કે, અમારા માછીમારો સંપૂર્ણ માછલી પકડવાની કામગીરી પર નિર્ભર છે અને સતત ધરપકડની ઘટનાઓને કારણે માછીમારી સમુદાય પણ ખુબ પરેશાની સાથે પીડા અનુભવી રહ્યા છે. જયશંકરને રવિવારે લખેલા પત્રમાં સ્ટાલિને કહ્યું કે, શ્રીલંકન નૌકાદળના આવા કૃત્યને કારણે રાજ્યના માછીમાર સમુદાયો દબાણમાં આવી ગયા છે અને તેઓના મનમાં ગભરાટ ફેલાયો છે. તેમણે પત્રમાં જણાવ્યું કે, ધરપકડ અને બોટ જપ્ત કરવાની ઘટના રોકવાની માંગ છતાં શ્રીલંકાના નૌકાદળે ભારતીય માછીમારોને પકડવાનું યથાવત્ રાખ્યું છે.