‘કચ્ચાથિવુ પાછો માંગશો તો જવાબ આપીશું’, ટાપુ પાછો લેવાના ભાજપના દાવા વચ્ચે શ્રીલંકાની પ્રતિક્રિયા
Kachchatheevu Island Controversy : કોંગ્રેસે કચ્ચાથિવુ ટાપુ શ્રીલંકાને આપી દીધો હોવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ખુલાસો કર્યા બાદ દેશના રાજકારણમાં ભારે ધમાસાણ શરૂ થઈ ગયું છે. તેમણે RTIના જવાબના રિપોર્ટનો ઉલ્લેખ કરી ટ્વિટ કર્યું હતું કે, કોંગ્રેસે (Congress) જાણીજોઈને કચ્ચાથિવુ ટાપુ શ્રીલંકા (Sri Lanka)ને આપી દીધો. તેમના આ નિવેદન બાદ ઘણા નેતાઓ કોંગ્રેસ પર નિશાન સાધી રહ્યા છે. ટાપુ પાછો મેળવવાના કેન્દ્ર તમામ પ્રયાસો કરી રહી હોવાના ભાજપ નેતાના દાવા બાદ શ્રીલંકાના એક મંત્રીએ જવાબ આપી કહ્યું કે, ‘ભારતે આ મામલે શ્રીલંકા સાથે કોઈ સત્તાવાર વાતચીત કરી નથી.’
કેન્દ્ર ટાપુ પરત મેળવવા પ્રયાસ કરી રહી હોવાનો દાવો ખોટો પડ્યો
કચ્ચાથિપુ ટાપુના વિવાદ વચ્ચે તમિલનાડુના ભાજપ પ્રમુખ અન્નામલાઈએ દાવો કર્યો છે કે, કોંગ્રેસે આપેલો ટાપુ પાછો મેળવવા કેન્દ્ર સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. જોકે તેમના દાવાથી ઉલટું રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના કેબિનેટમાં તમિલ મૂળના મંત્રી થોંડામને સ્પષ્ટ કહી દીધું છે કે, આવી કોઈ વાતચીત થઈ રહી નથી અને જો વાતચીત થઈ હોય તો તેનો જવાબ આપ્યો હોત.
ટાપુ મુદ્દે ભારતે શ્રીલંકા સાથે કોઈ વાતચીત કરી નથી : શ્રીલંકન મંત્રી
મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં થોંડામને કહ્યું કે, ‘કચ્ચાથિવુ ટાપુ શ્રીલંકાની સીમામાં આવેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શ્રીલંકા સાથે સારા સંબંધો છે. હજુ સુધી ટાપુ પરનો અધિકાર પરત મેળવવા ભારત તરફથી કોઈપણ સત્તાવાર વાતચીત કરાઈ નથી. ભારતે હજુ સુધી આવો કોઈપણ આગ્રહ કર્યો નથી. જો આવી કોઈ વાત સામે આવશે તો વિદેશ મંત્રાલય તેનો જવાબ આપશે.’
વિદેશમંત્રી જયશંકરે કોંગ્રેસ-ડીએમકે પર કર્યા ગંભીર આક્ષેપ
વડાપ્રધાને કોંગ્રેસને સાણસામાં લીધા બાદ વિદેશમંત્રી એસ.જયશંકરે પણ કોંગ્રેસની અગાઉની સરકારો સહિત ડીએમકે પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જયશંકરે કહ્યું હતું કે, 1974માં ભારત અને શ્રીલંકા વચ્ચે કરાર થયો હતો. બંને દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ તત્કાલીન કોંગ્રેસ સરકારે દરિયાઈ સીમા ખેંચી અને દરિયાઈ સીમા ખેંચવામાં કચ્ચાથિવુ સરહદના શ્રીલંકા તરફ રાખવામાં આવ્યું હતું. અમને ખબર છે કે આ કોણે કર્યું અમને એ નથી ખબર કે કોણે છુપાવ્યું. અમારું માનવું છે કે, જનતાને એ જાણવાનો અધિકાર છે કે, આ પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસ અને DMKએ આ બાબતને એવી રીતે લીધી છે કે જાણે તેમની કોઈ જવાબદારી નથી.
મેં 21 વખત આ મુદ્દા પર પોતાનો જવાબ આપ્યો છે: જયશંકર
આ ઉપરાંત જયશંકરે કહ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં 6,184 ભારતીય માછીમારોની શ્રીલંકા દ્વારા અટકાયત કરવામાં આવી છે અને તે જ સમયગાળા દરમિયાન શ્રીલંકા દ્વારા 1,175 ભારતીય માછીમારી બોટ જપ્ત કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં કચ્ચાથિવુ અને માછીમારોનો મુદ્દો સંસદમાં વિવિધ પાર્ટીઓ દ્વારા વારંવાર ઉઠાવવામાં આવ્યો છે. તે સંસદના સવાલો, ચર્ચાઓ અને સલાહકાર સમિતિઓમાં સામે આવ્યો છે. તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રીએ મને ઘણી વખત પત્ર લખ્યો છે અને મારો રેકોર્ડ દર્શાવે છે કે મેં આ મુદ્દે હાલના મુખ્યમંત્રીને 21 વખત જવાબ આપી ચૂક્યો છું. આ એક જીવંત મુદ્દો છે જેના પર સંસદ અને તમિલનાડુ વર્તુળોમાં ખૂબ ચર્ચાઓ થઈ છે. આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે પત્રવ્યવહારનો વિષય બન્યો છે.
RTIના જવાબમાં થયો કચ્ચાથિવુ ટાપુનો ખુલાસો
ઉલ્લેખનિય છે કે, ભાજપ નેતા અન્નામલાઈએ કરેલી આરટીઆઈમાં એવો ખુલાસો થયો હતો કે, 1974માં તત્કાલિન ઈન્દિરા ગાંધીની સરકારે શ્રીલંકન સરકાર સાથે એક કરાર કર્યો હતો, જેમાં કચ્ચાથિવુ ટાપુ શ્રીલંકાને સોંપી દેવાયો હતો. ગત રવિવારે આ રિપોર્ટ સામે આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ત્યારે કોંગ્રેસે પણ ભાજપના આક્ષેપોને રદીયો આપી દીધો છે.
ભાજપના આક્ષેપો પાયાવિહોણા : ચિદમ્બરમ
ભાજપના આક્ષેપોનો જવાબ આપતા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમે કચ્ચાથિવુ ટાપુ શ્રીલંકાને આપવાના કરારનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ વાહિયાત આરોપ છે. આ કરાર 1974 અને 1976માં થયો હતો. પીએમ મોદી તાજેતરના RTI જવાબનો ઉલ્લેખ કરી રહ્યા છે. તેમણે 27 જાન્યુઆરી 2015ના RTI જવાબનો ઉલ્લેખ કરવો જોઈએ, ત્યારે વિદેશ મંત્રી એસ.જયશંકર વિદેશ સચિવ હતા. તે જવાબમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, વાતચીત બાદ આ દ્વીપ આંતરરાષ્ટ્રીય સરહદના શ્રીલંકાના હિસ્સામાં છે. શું તમે જાણો છો કે ઈન્દિરા ગાંધીએ શા માટે સ્વીકાર્યું કે તે શ્રીલંકાનો છે? કારણ કે શ્રીલંકામાં 6 લાખ તમિલ પીડિતો હતા. તેથી તેમણે શરણાર્થી તરીકે ભારતમાં આવવું પડ્યું હતું. આ કરારના પરિણામે 6 લાખ તમિલો ભારતમાં આવ્યા અને તેઓ અહીં તમામ માનવ અધિકારો સાથે સ્વતંત્રતાનો આનંદ માણી રહ્યા છે.